બનાસકાંઠાની અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પરથી ઘાસનું ભૂંસુ ભરેલી ટ્રકમાંથી ૧૮ લાખથી વધુનો શરાબ પકડી લીધો છે. બનાસકાંઠાના કાર્યકારી પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ તથા ડીસાના વિભાગિય પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયની સૂચના અને અમીરગઢના પીએસઆઇ સી. પી.ચૌધરી તથા પી.વી.વાઘેલાના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસની ટીમે શરાબની હેરાફેરી અટકાવવા અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી સઘન વાહન ચકાસણી હાથ ધરી હતી. આ દરમ્યાન આબુરોડ તરફથી આવેલી ટ્રકને રોકી ચકાસણી કરતા આ ટ્રકમાં ઘાસના ભૂંસાની આડમાં વિદેશી શરાબની હેરાફેરી કરાતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ ઓપરેશન દરમ્યાન ઘાસનું ભૂંસુ ભરેલી આ ટ્રકમાંથી ૧૦,૨૭, ૨૦૦ રૂપિયાની કિંમતનો ૨૫૬૮ બોટલ વિદેશી શરાબ મળી આવતા પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧૮,૩૨,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકચાલક નાથુસિંહ ગમીરસિંહ રાજપૂતની અટક કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાયદેસરની તપાસ હાથ ધરી છે.