શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ ખાતે તાલીમાર્થીઓનું સન્માન અને વિદાય કાર્યક્રમ

તા. ૦૮/૦૧/૨૦૨૬ ના રોજ ભચાઉ સ્થિત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થામાં ગાંધીનગરની મહિલા ગ્રામ
વિદ્યાપીઠમાંથી આવેલ પાંચ વિદ્યાર્થિનીઓએ એક મહિના સુધી તાલીમ પૂર્ણ કરી. આ દરમિયાન તાલીમાર્થી વિદ્યાર્થિનીઓએ સંસ્થામાં ઓફિસ કાર્ય તેમજ ફીલ્ડ-વર્કમાં સક્રિય અને જવાબદારીપૂર્ણ ભૂમિકા ભજવી. તાલીમ દરમ્યાન આ વિદ્યાર્થિનીઓએ આસપાસના ગામડાઓની શાળાઓમાં જઈ વાલીઓ તથા વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને તેમને અભ્યાસ તરફ પ્રેરિત કર્યા. સાથે સાથે સંસ્થાના દૈનિક પ્રશાસકીય કામકાજમાં પણ તેમણે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો. તેમના કાર્યની સંસ્થા દ્વારા પ્રશંસા કરવામાં આવી. તાલીમ પૂર્ણ થવાના અવસરે સંસ્થામાં વિદાય તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર તથા રોકડ રકમ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. સંસ્થાના ડિરેક્ટર જિતેન્દ્રભાઈ જોષી દ્વારા વિદ્યાર્થિનીઓને તેમના ઉજ્જવળ અને સફળ
ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા આ પ્રકારની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે તેમ અંતે જણાવવામાં આવ્યું હતું.