રાસાયણિક અને જૈવિક ખેતીના દુષ્પરિણામોથી પર્યાવરણ અને લોકોને બચાવવા પ્રાકૃતિક ખેતી એક યોગ્ય વિકલ્પ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્બારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અને વિકાસ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ સહીત કુલ રૂ. ૧૬૮ કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની સહાય અન્વયે રૂ. ૧૯૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વધુમાં વધુ ખેડૂતો આ ખેતી તરફ વળે તે સમયની માંગ છે.
વર્તમાન સમયમાં સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ માટે કલસ્ટર બનાવીને ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં ખેડૂતોને વિવિધ પાકોની જાણકારી આપવાની સાથે સમગ્ર પદ્ધતિ વિશે વિસ્તારથી સમજાવવામાં આવે છે. તદુપરાંત ખેડૂતો યોગ્ય પ્લેટફોર્મ થકી તેના પાકના સારા ભાવ મેળવી શકે તે માટે દરેક તાલુકાએ વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત:-
ખેડૂતોએ એવો ભય છોડી દેવો જોઈએ કે રાસાયણિક ખેતી પદ્ધતિ છોડી દઈશું તો કૃષિ ઉત્પાદન ઓછું થઈ જશે. કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીને એક જ માને છે, પરંતુ પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતીથી બિલકુલ ભિન્ન છે. જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી. એ માટે મોટા પ્રમાણમાં ગોબરની આવશ્યકતા છે. એક એકર જમીન માટે ૬૦ કિલો નાઇટ્રોજન જોઈએ, ૬૦ કિલો નાઇટ્રોજન માટે જૈવિક કૃષિ પ્રમાણે ૩૦૦ ક્વિન્ટલ ગોબરની જરૂર પડે અને એ માટે ખેડૂત પાસે ૨૦ થી ૩૦ પશુધન હોવા જોઈએ. જૈવિક કૃષિ પદ્ધતિમાં ૩૦ પશુથી એક એકરમાં ખેતી કરી શકાય જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એક ગાયથી ૩૦ એકરમાં ખેતી કરી શકાય છે.
આમ, રાસાયણિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને અલ્ટ્રામોર્ડન થઈને આપણે વાસ્તવિકતા ખોઈ બેઠા છીએ. પ્રાકૃતિક ખેતીથી આપણા હવા, પાણી, ધરતી અને અનાજ શુદ્ધ થશે. રાસાયણિક અને જૈવિક ખેતીના જે દુષ્પરિણામો સામે આવ્યા છે, તેનાથી ચેતી જઈને સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરીશું તો પરિસ્થિતિને પૂર્વવત કરી શકીશું. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અભિયાન તરીકે અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી કરવાનો સંકલ્પ સિદ્ધ થશે.
ખેડૂતમિત્રોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્યાંક છે, ત્યારે ખેડૂતો ઝીરો બજેટ વાળી પ્રાકૃતિક ખેતી અપનાવી પોતે જ પોતાની આવક બમણી કરતા પણ વધારી આર્થિક રીતે સધ્ધર થઈ શકે છે.
પ્રાકૃતિક ખેતી એટલે શું?
પ્રાકૃતિક ખેતી એ એક એવી ખેતી પદ્ધતિ છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ખેડૂતોને ટકાઉ રીતે પાક ઉગાડવા અને પશુપાલન કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને પ્રકૃતિના સંતુલનને જાળવીને પાક ઉગાડવામાં આવે છે. રસાયણોના બદલે કુદરતી સ્રોતોનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકને રોગો અને જીવાતોથી બચાવવા માટે કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીને ‘જીવંત ખેતી’, ‘સજીવ ખેતી’, ‘ટકાઉ ખેતી’, ‘ઝીરો બજેટ ખેતી’ અથવા ‘પર્યાવરણને અનુકૂળ ખેતી’ નામથી પણ ઓળખવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો:-
• પ્રકૃતિ સાથે કામ કરવું:- પ્રાકૃતિક ખેતીમાં, ખેડૂતો પ્રકૃતિના નિયમોને સમજીને તેમની સાથે કામ કરે છે.
• જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવું:- પ્રાકૃતિક ખેતીમાં વિવિધ પ્રકારના પાકો, ઝાડ અને પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે, જેથી જમીનની ફળદ્રુપતા વધે અને પાકનું રક્ષણ થાય.
• જમીનની સંભાળ રાખવી:- પ્રાકૃતિક ખેતીમાં જમીનની ફળદ્રુપતા વધારવા અને તેનું ધોવાણ અટકાવવા માટે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
• પાણીનો કાર્યક્ષમ ઉપયોગ:- પ્રાકૃતિક ખેતીમાં પાણીનો બગાડ ટાળવા માટે ટપક સિંચાઈ અને અન્ય જળ સંરક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા:-
• સ્વસ્થ ખોરાક: – પ્રાકૃતિક ખેતીમાં ઉગાડવામાં આવેલા પાકો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત હોય છે, આથી તે વધુ સ્વસ્થ અને પૌષ્ટિક હોય છે.
• પર્યાવરણ માટે સાનુકુળ: – પ્રાકૃતિક ખેતી જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ ઘટાડે છે અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપે છે.
• ખેડૂતો માટે ફાયદાકારક:- પ્રાકૃતિક ખેતી ખેડૂતોને ખર્ચ ઘટાડવામાં અને નફો વધારવામાં મદદ કરે છે.