કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે કડક કામગીરી હાથ ધરાઈ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભચાઉ, નખત્રાણા અને અંજાર રેન્જના કાર્ય વિસ્તારમાં શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનની મુલાકાત લઈ, ચાઇનીઝ તેમજ પક્ષીઓને નુકશાન પહોંચે તેવી તુક્કલ દોરીનું વેચાણ ન થાય તેની ચકાસણીની કરાઇ હતી. ભચાઉ રેન્જના ક્ષેત્રીય સ્ટાફ અને ભચાઉ વિસ્તરણ રેન્જના સ્ટાફ દ્વારા શહેરમાં સંયુક્ત રેલી યોજી ચકાસણી કરવામાં આવી હતી. પતંગ અને દોરાના વેપારીઓને પક્ષીઓને નુકસાન થાય તેવો સામાન ન રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વન વિભાગ દ્વારા ભચાઉ આજુબાજુના વિસ્તારમાં સમય સવારના ૦૯:૦૦ કલાક પહેલા અને સાંજના ૦૫:૦૦ કલાક બાદ પતંગ ન ચગાવવા સૂચનો કરવામાં આવ્યા હતાં. તા.૧૦/૦૧/૨૦૨૬ થી ૨૦/૦૧/૨૦૨૬ દરમિયાન ભચાઉ રેન્જ કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેવું વન વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.