કલેક્ટર કચેરી ભુજ ખાતે કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠક મળી

 મકરસંક્રાતિથી લઇને ૨૦ જાન્યુઆરી સુધી આકાશમાં ઉડતા પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર રાજ્યભરમાં કરૂણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત આજરોજ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છમાં કરૂણા અભિયાનને લઇને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી.

        કચ્છમાં મકરસંક્રાતિ સહિત તા. ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે. જેમાં જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ, કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કોમ્બિંગ સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 આ અંગે વધુ વિગતો આપતા કચ્છ પૂર્વ વન વિભાગ, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્માએ જણાવ્યું હતું કે,  કચ્છમાં તાલુકા વાઇઝ ૧૬ ઘાયલ પક્ષી કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવશે. ભુજમાં ૪ સ્થળે કલેક્શન સેન્ટર રહેશે,  જેમાં રામધુન, પશુ દવાખાનું – મુંદરા રોડ, અભયલેબ પાસે-ઇન્દ્રાબાઇ પાર્કની સામે, પશુ દવાખાનું – છઠ્ઠી બારી પાસે, લાયન્સ ક્લબ, માધાપર, ભચાઉમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, નોર્મલ રેન્જ,  ગાંધીધામમાં ઝંડા ચોક, અંજારમાં નોર્મલ રેન્જ કચેરી, મુંદરામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, નોર્મલ રેન્જ કચેરી, માંડવીમાં વન ચેતના કેન્દ્ર, અબડાસામાં નોર્મલ રેન્જ નલીયા, નખત્રાણામાં નોર્મલ રેન્જ કચેરી, લખપતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, નોર્મલ રેન્જ દયાપર, રાપર તાલુકામાં આડેસરમાં નોર્મલ રેન્જ આડેસર, રાપરમાં દક્ષિણ રેન્જ કચેરી, ડાભુંડા રોડ ખાતે ઘાયલ પક્ષીનું કલેક્શન કરાશે. આ વર્ષે ધોરડો-સફેદ રણ ખાતે પણ ૧ કલેકશન સેન્ટર શરૂ કરાશે.

       કલેકશન સેન્ટર સાથે જિલ્લામાં ૧૪ સારવાર કેન્દ્ર શરૂ કરાશે. જેમાં ભુજ ખાતે સુપાશ્ર્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ દવાખાનું, છઠ્ઠીબારી નજીક તથા પશુ દવાખાનું, ભુજ રિલાયન્સ મોલ સામે, ભુજ તથા ધોરડો તેમજ પશુ દવાખાનું મુંદરા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, દયાપર,માંડવી, નલીયા, ભચાઉ, રાપર તથા ફતેહગઢના સરકારી પશુ દવાખાનામાં સારવાર અપાશે. આ કલેકશન સેન્ટર પર વન વિભાગના સ્ટાફને ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ પશુ ચિકિત્સક અધિકારીઓ તથા ૧૭ બિન સરકારી સંસ્થાઓના ૩૦૦થી વધુ સ્વયંસેવકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે.  આ અભિયાન અંગે લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે પ્રચાર માટે તંત્ર દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા તથા ચાઇનીઝ માંઝાનો ઉપયોગ ન કરવા શાળા કક્ષાએ પ્રતિજ્ઞા કાર્યક્રમ કરવામાં યોજવામાં આવ્યા છે. ઉપરાંત પીજીવીસીએલ દ્વારા ઉત્તરાયણ પહેલા વીજલાઇન કનેક્શન ચકાસણી તથા પર્વ બાદ વીજલાઇન પર લટકતી દોરીઓ દૂર કરવા કાર્યવાહી કરાઇ છે.

       આ સાથે જ વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં ૧૩ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યા છે. ભુજમાં સંપર્ક નંબર ૯૭૨૫૧૭૩૧૧૧, ૯૫૮૬૫૩૪૨૪૩, ૯૪૨૬૨૮૨૩૭૦ લખપતમાં ૯૭૨૫૫૨૫૨૧૪ માંડવીમાં ૯૯૨૫૬૬૯૫૨૦ ૯૮૨૫૦૬૪૮૬૯ ગાંધીધામમાં ૮૦૦૦૬૭૭૭૭૮ મુંદરામાં ૯૭૧૨૬૫૮૨૨૬ તથા નખત્રાણા, ૯૬૩૮૨૧૭૮૦૯, રાપરમાં ૮૧૨૮૨૦૮૪૭૪, રાપર(આડેસર) ૯૮૨૪૦૮૩૫૩૬ ભચાઉમાં ૯૮૨૫૪૪૯૯૩૮, ૮૨૦૦૩૩૯૪૭૨, અબડાસામાં ૯૮૭૯૨૯૦૧૪૮ રહેશે. ઘાયલ પક્ષી વિશે નાગરિકો તરત જ સેન્ટ્રલ હેલ્પલાઈન નંબર ૧૯૨૬ ઉપર સંપર્ક કરી શકશે. રાજયના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલીત વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦માં વોટસએપ મેસેજમાં “KARUNA” મેસેજથી મળી શકશે. આ સિવાય તાલુકાવાઈઝ હેલ્પલાઈન સેન્ટરની વિગતો નાગરિકો ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર કોલ કરીને મેળવી શકશે.

        બેઠક કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે જિલ્લાકક્ષાએ સામાજિક સંસ્થાના સહયોગથી કરૂણા અભિયાન સફળ બનાવવા ખાસ જરૂરી સૂચના સાથે સમગ્ર આયોજનની સમીક્ષા કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, માનવતાના કાર્યમાં વહીવટી તંત્ર સાથે કચ્છની ૧૭ સામાજિક સંસ્થા તથા યુવાનો પણ જોડાઇને ઘાયલ પક્ષીઓની સુશ્રુષા કરશે. જેમાં સુપાશ્ર્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું ભુજ,  પેલીકન નેચર કલબ, રામધુન પાસે ભુજ તથા લાયન્સ કલબ મુંદરા, અહિંસાધામ એન્કરવાલા-પ્રાગપર, પક્ષી વિદ્ય મુંદરા, પરશુરામ સેના – નખત્રાણા, પર્યાવરણ જાગૃતિ ગ્રુપ- કોઠારા,  રાપર પાંજરાપોળ, શ્રી આડેસર જીવદયા પાંજરાપોળ, જૈન જાગૃતિ સેન્ટર- રાપર, ભચાઉ જીવદયા મંડળ -કનકસુરી અહિંસાધામ,  ગૌરક્ષક સેવા સમિતિ અંજાર તથા કામધેનું ગૌશાળા સેવા ટ્રસ્ટ – અંજાર, સિક્યોર નેચર સોસાયટી માંડવી, સેતુ અભિયાન દયાપર, મહા રૂદ્રબાલ હનુમાન મંદિર ટ્રસ્ટ દયાપર ખાતે સેવાકાર્ય કરશે.

જિજ્ઞા વરસાણી