કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગેની બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજ ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી, પાર્કિંગ, મેડીકલ અને વિવિધ વિભાગોના ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણે કાર્યક્રમની ઉજવણીને લઈને સૂચારુરૂપે કામગીરી કરવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને ખાસ સૂચના આપી હતી. પ્રજાસત્તાક પર્વના જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો, દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃત્તિક કૃતિઓની પ્રસ્તુતી તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન હોઇ આ બાબતે સૂચારૂ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના કર્મચારીઓ/અધિકારીશ્રીઓના સન્માન સહિત બાબતે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તથા જિલ્લા વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.