રતનપર (ખડીર વિસ્તાર) માં ખેડૂત શિબિર યોજાઈ:જીરાના પાકની: વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કરાયા

ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે ચાલતી “ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી” યોજના તથા
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, ભુજ હેઠળ કાર્યરત પશુ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે
ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના રતનપર ગામ ખાતે એક દિવસીય ખેડૂત શિબિરનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેનું વિષય શીર્ષક “ જીરાના પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
અને આદર્શ પશુપાલન” હતું.
કાર્યક્રમમાં વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા ડો. આર. એમ. જાડેજા (સહ
સંશોધન વૈજ્ઞાનિક) તેમજ મદદનીશ પ્રાધ્યાપક, પશુ વિજ્ઞાન કેન્દ્ર, મુંદ્રા ડૉ. હાર્દિક નળિયાપરા
તથા વિવિધ વિષય નિષ્ણાતો ડૉ. રવિકુમાર વાણિયા અને ડૉ. વારીસ અલી દ્વારા વિવિધ ખેતી
અને પશુ વિષયક વ્યાખ્યાન આપવામાં હતાં. આ એક દિવસીય ખેડૂત શિબિર કાર્યક્રમમાં
અંદાજે ૭૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ડૉ. આર. એમ. જાડેજા દ્વારા કરવામાં આવી હતી. તેમણે
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાતી વિસ્તરણ, શિક્ષણ તથા
સંશોધન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત જીરાના
પાકમાં ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન, પ્રમાણભૂત પદ્ધતિઓ તથા તેની અસરકારક બજાર
વ્યવસ્થા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તે બાદ ડૉ. હાર્દિક નળિયાપરા દ્વારા પશુઓના સંતુલિત ખોરાક, યોગ્ય માવજત
પદ્ધતિઓ, રોગપ્રતિકારક સ્વાસ્થ્ય જાળવણી તેમજ સુવિધાજનક અને સ્વચ્છ રહેઠાણ અંગે
વૈજ્ઞાનિક માર્ગદર્શન સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે ડો. વારીસ અલી
દ્વારા પાકના પોષણ, ક્ષારીય જમીનના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તથા તેની સુધારણા માટે
અપનાવવાની પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમજ આવા
વ્યવસ્થાપન દ્વારા જમીનની ઉપજક્ષમતા વધારવા, પાકની ગુણવત્તા સુધારવા અને ખેડૂતોને
મળતા વિવિધ આર્થિક તથા પર્યાવરણીય લાભો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા
હતા. શિબિરમાં ડૉ. રવિકુમાર વાણિયાએ પોતાના પ્રવચનમાં જીરુના પાકમાં આવતાં મુખ્ય
રોગો તથા વિવિધ હાનિકારક જીવાતો અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. તેમણે રોગો
અને જીવાતોના પ્રારંભિક લક્ષણો, તેમનું જીવનચક્ર તથા પાક પર પડતી અસર અંગે સમજાવ્યું

હતું. ઉપરાંત, તેના અસરકારક નિયંત્રણ માટે અપનાવી શકાય તેવા સંકલિત વ્યવસ્થાપન
અંતર્ગત જૈવિક તેમજ રાસાયણિક ઉપાયો વિશે ખેડૂતોને સચોટ માર્ગદર્શન આપ્યું હતું, જેથી
પાકની ઉપજ અને ગુણવત્તા જાળવી શકાય.
ગામના જુદા જુદા ખેડૂતોએ પોતાના ખેતી સંબંધિત અનુભવો તથા સમસ્યાઓ અંગે
માહિતી રજૂ કરી હતી. અધિકારીશ્રીઓ દ્વારા તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન
અને વ્યવહારુ ઉકેલો આપવામાં આવ્યા હતાં. શ્રી પ્રતિક ભાંખરએ સર્વે ઉપસ્થિત અધિકારીઓ
અને ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો.