માથું કપાયેલ લાશ મળતા ગામજનોમાં વ્યાપ્યો ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવપરા(નવાગામ) ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં કપાયેલ હાલતમાં એક લાશ મળી આવેલ છે. કપાયેલ હાલતમાં મૃતદેહની જાણ થતા ગામના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે આ મૃતદેહની હાલ કોઈ ઓળખ સામે આવી નથી અને પોલીસ મારફતે તપાસ ચાલું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના દેવપરા(નવાગામ) ગામ જવાના રસ્તા પર જમણી બાજુમાં ડુંગરાળ જંગલ વિસ્તાર આવેલ છે. ત્યાં નજીકની વાડીમાં રહેતા લોકોએ માથા કપાયેલ હાલતમાં એક મૃતદેહ જોઓ. ત્યાર બાદ લોકોએ ગામના સરપંચને આ વિશે જાણ કરી. સરપંચે મૃતદેહ વિશે સ્થાનિક પોલીસને માહિતી આપી. જોકે આ લાશની ખબર વિસ્તારમાં ફેલાતા સ્થાનિકો અને નજીકના ગામના લોકોમાં ભારે ચકચાર મચી ગયો છે.

લાશનું મસ્તક કાપીને અહીં નાખી ગયા હોય અથવા બીજી જગ્યાએ મારીને લાશ અહીં નાખી ગયા હોય એવા અનુમાન સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જોકે હાલ લાશની ઓળખ થઈ નથી. મૃતદેહ પાસેથી માત્ર એક ડાયરી મળેલ છે. તેમાં પણ કોઈ લખેલ ના હોવાથી વધુ માહિતી મળી નથી. રિપોર્ટ મુજબ આ બનાવ બામણબોર પોલીસ સ્ટેશનની હદમાં બનેલ છે. તેથી સ્થાનિક પોલીસે લાશ કોની છે? કોને હત્યા કરી છે? અહીં આ મૃતદેહ કેવી રીતે આવ્યું? સહિત ઘટનાને લાગતા અન્ય પ્રશ્નો ઉકેલવા ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.