આઈ.ટી.આઈના છાત્રો સાથે સહજ સંવાદ યોજી રોજગારલક્ષી નવા ટ્રેડથી અવગત થતાં કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ મુન્દ્રા ખાતે આઈ.ટી.આઈની મુલાકાત લઈને યુવાનોના ઈનોવેશનની સરાહના કરી હતી. કેબિનેટ મંત્રીશ્રીએ આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ મોડલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મુન્દ્રા ITI ના ૮ ટ્રેડ અને ક્લાસરૂમની મુલાકાત લઈને નવા કોર્ષ તથા શૈક્ષણિક કામગીરી અંગે મંત્રીશ્રીએ વિગતે માહિતી મેળવી હતી. આઈ.ટી.આઈ છાત્રો સાથે સહજ સંવાદ કરીને રોજગારલક્ષી નવા ટ્રેડથી અવગત થઈને કેબીનેટમંત્રીશ્રી કુંવરજીભાઇએ યુવાનોના કૌશલ્યને બીરદાવ્યું હતું.  મુન્દ્રા ITI ખાતે બેઠક યોજી રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇએ વિવિધ કંપનીઓના એક્સપર્ટ લેક્ચર લેવા, ઓન જોબ ટ્રેનિંગ, ખૂટતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં વિકાસ માટે આવશ્યક માનવબળની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ મુન્દ્રા પોર્ટની હોસ્પિટલની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે મામલતદારશ્રી કલ્પનાબેન ગોંદીયા, મદદનીશ શ્રમ આયુક્તશ્રી એ. કે. શિહોરા, મુન્દ્રા ITI ના આચાર્યશ્રી ચિરાગ દાવડા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.