આજથી ભવ્ય પોથીયાત્રા સાથે ભુજમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો પ્રારંભ

નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ના મહંત સ.ગુ. પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ.ગુ. સ્વામી ભગવજીવનદાસજી, સ.ગુ. કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદી વરિષ્ઠ સંતો, ટ્રસ્ટીઓ સાથે મહાપર્વ માં તન મન અને ધન થી પ્રભાવિત થનાર તમામ દાતાઓ ના સહયોગ થી શ્રીસ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અનેક વિવિધ સામાજીક અને ધાર્મિક આયોજન અને કાર્યક્રમો ની સાથે તા. ૨૦/૧ મંગળવાર થી તા.૨૪ શનિવાર દરમ્યાન પંચ દિવસીય “શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહા મહોત્સવ” ઉજવવાનું મંગલ આયોજન કરવામાં આવેલ છે.
આ મહાપર્વ ને લઈ ને ભુજ મંદિર ના વહીવટી સંત કોઠારી શ્રી.દેવપ્રકાશદાસજી એ જણાવ્યું હતું કે આ મંગલ અવસરે શિક્ષાપત્રી પંચાહ પારાયણ જ્ઞાનયજ્ઞ પારાયણના મુખ્ય વક્તા તરીકે પુરાણી સ્વામી શ્રીપ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી ગોલોકવિહારીદાસજી વિગેરે વ્યાસાસને બિરાજી સુમધુર સંગીતના સથવારે શિક્ષાપત્રી રહસ્યનું રસપાન કરાવશે. જ્યારે સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી શ્રી. દેવચરણદાસજી અને શાસ્ત્રી સ્વામી શ્રી. હરિકૃષ્ણદાસજી સંભાળશે
આ પ્રસંગે અમદાવાદ શ્રીનરનારાયણદેવ ગાદીના પીઠાધિપતી પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પૂ. મોટા મહારાજશ્રી તથા ભાવી આચાર્ય લાલજી મહારાજશ્રી અને પૂ. ગાદીવાળાં સહિત સમસ્ત ધર્મકુળ પધારી દર્શન-આશિર્વચનનો લાભ આપશે. સાથો સાથ ભુજ, માંડવી, અંજાર, રાપર, પ્રસાદી મંદિર, તથા ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સંતો તથા શ્રીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ અમદાવાદ, મુળી, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડા, જેતલપુર, ધોડકા આદી મંદીરોના સંતો – મહંતો પોતાનું દિવ્ય વક્તવ્ય આપશે
મુખ્ય મંગલ કાર્યક્રમો ની વાત કરીએ તો, તા. ૧૯ ના રોજ સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરેથી પોથી યાત્રાનો બપોરે ૩.૩૦ વાગ્યે પ્રારંભ થશે,પોથીયાત્રા એવમ્ શોભાયાત્રામાં ગામડાંનાં મંદિરની પાલખી સુર્વણ સજાવટ સાથે લાવવાની રહેશે આ સાથે સણગારેલ ૨૧૨ મોટર સાયકલ બુલેટો પર શિક્ષાપત્રી શ્લોક ના સ્લોગન સાથે જોડાશે. તા.૨૦ ના સ્થાપન પૂજન સાથે દિપપ્રાગટ્ય,
તા. ૨૧ શિક્ષાપત્રી પજૂન, અભિષેક,તા. ૨૨ ના રોજ પૂ. મોટા મહારાજશ્રી પધારશે. તા. ૨૩ કેસરજળ અભિષેક અને શ્રી શિક્ષાપત્રી રજત સુવર્ણ અર્પણ, તા. ૨૪ ના રોજ લાલન કોલેજ ગ્રાઉન્ડ મઘ્યે મોટા મહારાજશ્રીની ઉપસ્થિતિ માં દિવ્ય રંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે
આ ધાર્મિક સપ્તાહ દરમ્યાન નિજ મંદિર માં દરરોજ ઠાકોરજી સન્નમુખ નિજ મંદિરમાં દૈનિક દર્શન સાથે અન્નકુટ અને ડ્રાયફ્રુટ ઉત્સવ,કેશરજળ અને
તીર્થજળ મહા અભિષેક ઉત્સવ,રાજોપચાર પૂજન કરવામાં આવશે.
જ્યારે રાત્રી ના સાસ્કૃતિક કાર્યક્રમો માં શિક્ષાપત્રી સભા, કચ્છ શ્રી નરનારાયણદેવ યુવક યુવતીમંડળ સભા,
પ્રેરક ઉદ્બોધન સુખનું સરનામું, કીર્તન હાઉસિંગ , સત્સંગ હાસ્ય કુંભ વિગેરે કાર્યકમો યોજાશે*
આ મહાપર્વ અનુસંધાને ભુજ સ્વામિનારાયણ ના મહંત શ્રી. ધર્મનંદનદાસજી, વરીષ્ઠ સંતો ના સ્નેહ આમંત્રણ સાથે દેશ વિદેશ ના હજારો હરિભકતો સાથે ચોવીસી અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો માહોલ જોવા મળી રહ્યો છે શહેર ની ટ્રાફિક ને ધ્યાનમાં રાખી સરળ અને સરસ રીતે વાહનો પાર્કિંગ થઈ શકે તે માટે ખેંગાર પાર્ક પાસે ગૌરવ પથ, વ્યાયમશાળા, સંસ્કાર નગર રોડ, અને હોટલ મંગલમ્ સામે પાર્કિંગજોન ની વ્યવસ્થા કરવામાં આવી છે