કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી થશે
કચ્છ જિલ્લામાં આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણી ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ રાષ્ટીય પર્વની ઉજવણીમાં નાગરિકોને સહભાગી બનવાનું આમંત્રણ આપીને પ્રોટોકોલ મુજબ આયોજન કરવા માર્ગદર્શન પુરું પાડ્યું હતું. શ્રી પટેલે કાર્યક્રમના આયોજન માટે વિવિધ વિભાગોને સોંપાયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. આ મીટિંગમાં કાર્યક્રમને અનુલક્ષીને બેઠક વ્યવસ્થા, મંડપ, સફાઈ, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, વિશિષ્ટ વ્યક્તિઓ અને અધિકારીશ્રીઓનું સન્માન, વીજ વ્યવસ્થા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. દેશભક્તિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અને વિવિધ વિભાગોના ટેબ્લોના પ્રદર્શન અંગે કચ્છ કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ.અનીલ જાદવ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયા પ્રજાપતિ, ભુજ મામલતદારશ્રી તેજસ પટેલ, ગ્રામ્ય મામલતદારશ્રી અરૂણ શર્મા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.