આદિપુર સંતોષી મા મંદિરનો બે દિવસીય પાટોત્સવ યોજાશે

અહીંના વોર્ડ ૨/બી ખાતે આવેલા સંતોષી માતાજીના મંદિરનો ૩૦ મો પાટોત્સવ આગામી તા.૨૨ અને ૨૩ જાન્યુઆરીના ઉમંગભેર ઉજવાશે.જેમાં તા. ૨૨/૧ ના સવારે ૧૦ વાગે ગણેશ પૂજન, ૧૧ વાગે માતાજી પૂજન અને ૧૨:૩૯ કલાકે ધ્વજારોહણ કરાશે.સાંજે ૬ વાગ્યાથી, ગાંધીધામની નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસીકલ ડાન્સના સ્થાપક અને જાણીતા કલાકાર સુમાબેન મોહનના માર્ગદર્શન હેઠળ કશીકા સુજાન દ્વારા ભરતનાટ્યમ- આરંગેત્રમના કાર્યક્રમમાં વિવિધ નવકૃતિઓ રજૂ થશે. જેમાં કંઠ્ય પ્રસ્તુતિ વિદ્યા શ્રીનિવાસ દ્વારા અને વાદ્ય પર દિનેશકુમાર, પ્રાર્થના સોની તથા ફેનિલ સોની સાથ આપશે. રાત્રે ૧૦ વાગ્યાથી જાણીતા કલાકાર નિલેશ ગઢવી દ્વારા જાહેર સંતવાણી-લોકડાયરો યોજાશે.
બીજા દિવસે તા. ૨૩/૧ ને શુક્રવારે સવારે ૧૧ વાગે માતાજી મહાઅભિષેક, ૪ વાગે હવન પ્રારંભ, ૭ વાગે પૂર્ણાહુતિ, ૭:૩૦ વાગે મહાઆરતી તેમજ ૮ વાગે મહાપ્રસાદ યોજાયા છે.
આ તમામ કાર્યક્રમોમાં પધારવા જય સંતોષી મા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ તુલસીબેન સુજાન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.