જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ (IAS)ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય, રિનોવેશન અને કંપાઉન્ડ વોલ વગેરે કામગીરી દ્વારા ભૌતિક સુવિધાઓ સુદ્દઢ કરવાની કામગીરી માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ ચકાસવામાં આવી રહી છે. તાલુકા વિકાસ અધિકારી અને સીડીપીઓ દ્વારા પણ આંગણવાડીના કામોની દેખરેખ રાખવામાં આવે છે. તાજેતરમાં ભુજ, મુંદ્રા, લખપત તાલુકાની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતી સેવાઓ, બાળકો તથા ગર્ભવતી અને ધાત્રી માતાઓના પોષણ સંબંધિત કાર્યક્રમો તપાસ કરી હતી. ડિજિટલ ડેટાની પારદર્શિતા અને ચોકસાઈ જળવાઈ રહે તે હેતુસર ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશનમાં નોંધાયેલ માહિતીની ચકાસણી કરી હતી. જેમાં, બાળકોના વજન, ઉંચાઈ, આરોગ્ય સ્થિતિ તેમજ પૂરક પોષણના વિતરણની માહિતી યોગ્ય રીતે અપડેટ થઈ રહી છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી. સાથે જ બાળકોને આપવામાં આવતા પૂરક આહારના ગુણવત્તા ધોરણો, માપદંડો અને સમયસર વિતરણ અંગે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું.
સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકારિત કરવા આંગણવાડી કેન્દ્રોમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ જેમ કે સ્વચ્છતા, પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા, શિક્ષણ સહાયક સામગ્રી અને સુરક્ષા બાબતોનું સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું. આ મુલાકાતથી આંગણવાડી કાર્યકર તેડાગરએ સેવાઓને વધુ અસરકારક બનાવવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રકારની નિયમિત મુલાકાતો થકી પોષણ અને બાળ વિકાસ યોજનાઓને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેવું પ્રોગ્રામ ઓફિસર ICDS જિલ્લા પંચાયત ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.