૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી 

1000240861

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.

રિહર્સલ દરમિયાન કલેક્ટરશ્રી આનંદ પટેલે ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે પ્રોટોકોલ મુજબ યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

        વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટરશ્રીએ નિહાળી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાથે વિર્મશ કરીને આયોજનની વિગતો મેળવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરશ્રીએ નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનીલ જાદવ, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)ના કાર્યપાલક ઈજનેરશ્રી કલ્પેશ નાઇ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.