કૃતિમાં શોષણ નહિ પરંતુ સાહચર્ય અને સહજીવન હોવાથી આંબાના ઝાડ રોપતી વખતે પ્રકૃતિના આ નિયમોનું અનુસરણ કરવું
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આંબાના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું.
આંબો
કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં કેરીના જુદા જુદા નામો છે જેમ કે, આમ્રમ, રસાલમ, સહકારફલમ વગેરે. મલયાલમ ભાષામાં કેરી ને “માગ્ગા” કહે છે એ આધાર ઉપર પોર્ટુગીઝોએ કેરીનું નામ મેંગો રાખી દીધું. હિમાલયની તળેટીથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી એક પણ ગામ એવું નહીં હોય જેમાં આંબાનું વૃક્ષ ન હોય આમ સંપૂર્ણ ભારતની વિવિધતાને કોઈ એક ફળે જો બાંધ્યું હોય તે છે આંબો. ઉત્તરપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, બંગાળ, તામિલનાડુ, ઓરિસ્સા વગેરેમાં કેરીનું ઉત્પાદન થાય છે. કેરીના ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે.
જાતો :-
ભારત ભરમાં કેરીની લગભગ ૧૦૦૦ જાતો આવેલી છે તેમાંની કેટલીક જાતો ખૂબ જ પ્રસિદ્ધ છે જેમકે, દશેરી, લંગડો, હેમસાગર, માલદા, ગોપાલ ભોગ, કૃષ્ણા, ચૌસા, સફેદા, આલ્ફાન્ઝો, સુવર્ણ રેખા, બેનીશાન, નીલમ, કેસર, ફજલી જર્દાલું,ગુલાબ વગેરે.
આજ જે આંબાના ઝાડ ૧૦ થી ૫૦ વર્ષથી ઉભેલાછે તેઓ કાંતો રાસાયણિક ખાતરોથી ઉછેરાયા છે અથવા પ્રકૃતિને સહારે છોડી દેવામાં આવ્યા છે. જો તેના પર આપ નીચે દર્શાવેલ પદ્ધતિનો પ્રયોગ કરશો તો ઉત્પાદન વધી જશે જેથી આપને વધારે આવક મળશે.
આંબાની બે હાર વચ્ચે ત્રણ ફૂટ પહોળી અને બે ફૂટ ઊંડી નીક ખોદો. આ નીકમાં સૂકા પાન જડિયા વગેરે વડે આચ્છાદન કરી દો. ચોમાસાની શરૂઆત થાય ત્યારે મહિનામાં એક કે બે વખત એકર દીઠ ૨૦૦ થી ૪૦૦ લિટર જીવામૃત આચ્છાદન પર છાંટી દો. જેવો વરસાદ આવશે તે સાથે જ જીવામૃત નીકમાં તળિયે જમીન સુધી પહોંચી જશે. આચ્છાદન, ભેજ અને જીવામૃતઆ ત્રણેયના સંયોગથી અળસિયા ઝડપભેર કાર્યમાં લાગી જશે. અળસિયાઓની વિષ્ટા (વર્મિકાસ્ટ)થીપોષક તત્વો આંબાના ઝાડને મળવા લાગશે. આ ઉપરાંત આચ્છાદનનું વિઘટન થવાથી આચ્છાદાનની નીચે હ્યુમસ બનશે. આ હ્યુમસ દૂધ પીવડાવનાર માતા સમાન ઉપકારક છે. આ બધી ક્રિયાઓને લીધે આંબાના વૃક્ષમાં દર વર્ષે વધારે ફળ લાગશે અને સંખ્યા અને ગુણવત્તા પણ વધશે.
નીકની બંને બાજુ ચોળી અને તુવેર વાવો. આ પાકો વાતાવરણમાં રહેલા નાઈટ્રોજનને જમીનમાં જમા કરે છે જેથી મુળીયા માટે આવશ્યક નાઈટ્રોજન મળી રહે છે અને હ્યુમસ બનાવવામાં પણ તે કામ લાગે છે. ઉનાળામાં અને શિયાળામાં સાંજના સમયે નીકમાં જીવામૃત નાખવું. રાત્રે જે ભેજ હોય છે તેને જીવામૃત ખેંચી લેશે તેથી આગળની પ્રક્રિયા ચાલુ રહેશે. મહિનામાં એક વખત આંબાના ઝાડ પર સો લીટર પાણીમાં ૧૦ લીટર જીવામૃત મેળવીને છંટકાવ કરતા રહેવું જેના આપને ખૂબ જ સુંદર પરિણામો મળશે.
નીક બનવાથી વરસાદનું પાણી જમીનની સપાટી ઉપરથી વહીને વ્યર્થ નહીં જાય અને નીકમાં એકત્રિત થશે. આ આચ્છાદનને લીધે જમીનમાં રહેલા ભેજનું બાષ્પીભવન અટકશે. આમ થવાથી વરસાદ અથવા પિયતનાં પાણીનાં અભાવમાં ફળોની સંખ્યા પર થતી વિપરીત અસર રોકી શકાય છે. આ પ્રમાણે રાસાયણિક ખાતર, જૈવિક ખાતર, કમ્પોસ્ટ છાણીયું ખાતર, સિંચાઈ, જંતુનાશક દવાઓનાં છંટકાવ વગરે વિના આપ કેરીનું સારું ઉત્પાદન લઈ શકો છો.આંબાના સહજીવી મિત્રો આમળા, જામફળ, દાડમ, દિવેલા (એરંડા), પપૈયા, સરગવો, કેળા, મીઠો લીમડો, સીતાફળ, મરચાં, હળદર, ચોળી, તુલસી, મેથી, ફુદીનો, હજારી (મેરીગોલ્ડ) તથા વેલાવાળા શાકભાજી આંબાના સહજીવી મિત્રો છે.
અંતર:
આંબાના બે ઝાડ વચ્ચે ઓછામાં ઓછું ૩૩ x ૩૩ ફૂટનું અંતર રાખવું જોઈએ. આ પ્રકારે એક એકરમાં ૪૦ આંબાના ઝાડ હોવા જોઈએ, પરંતુ આજકાલ વચ્ચે ઓછામાં ઓછું અંતર રાખવાની પ્રથા પડી ગઈ છે. આનાં પાછળ કહેવું છે કે વધુ અંતર રાખવાથી કાપણી વખતે ફળોને ઉતારવામાં વધુ નુકસાની થાય છે. ખૂબ ઊંચે ફળો આવતા હોઈ કુશળ ખેત મજૂરો ન મળતા હોય ત્યારે ફળો પાકી જવા છતાં કાપી શકાતા નથી અને પાકીને પોતાની મેળે પડી જાય છે અથવા તો તે નુકસાન પણ પામે છે એને લીધે તેની કિંમત મળતી નથી.
નવીનતમ પદ્ધતિમાં બે આંબાના ઝાડ વચ્ચે ૧૦x૧૦ ફૂટનું અંતર રાખવાનું હોય છે. આ પ્રકારે એક એકરમાં ૪૩૫ આંબાના ઝાડ મળે છે. કલમની રોપણી કર્યા બાદ ત્રીજા વર્ષે ફળ લાગવાની શરૂઆત થઈ જાય છે પરંતુ આપણે પાંચ વર્ષ પછી જ ફળો લેવાની શરૂઆત કરવી જોઈએ. ખૂબ નજીક વાવેતર કરેલું હોવાથી પાંચમા વર્ષે આંબાના ઝાડ એક બીજાને મળવાની શરૂઆત કરે છે. જેને લીધે ફળ પકવવા માટે જે પોષક તત્વો આરક્ષિત રહેલા છે તે આ ઉર્જાના રૂપમાં વ્યય પામે છે. એટલા માટે એકબીજા સાથે અડતી ડાળીઓને ફળ કાપણીના એક મહિના પછી છાંટણી કરવી જોઈએ. આનાથી ઉત્પાદન અને ગુણવત્તા સારી રહે અને મૂલ્ય પણ સારૂ મળે છે. સાથો સાથ કેરી ઉતારવાની મજૂરી ઓછી લાગે છે અને તેના પર જીવામૃતનો છંટકાવ કરવાનું પણ સરળ રહે છે.
જ્યારે આંબાના ઝાડ ૧૦x ૧૦ ફૂટ પર વાવવામાં આવે તો ચાર આંબા વચ્ચે એક સરગવાનું ઝાડ, બે આંબા અને બે સરગવા વચ્ચે એક તુવેર અથવા બાજરાનાં બી વાવવાના છે. ઝાડની બે હાર વચ્ચે અઢી ફૂટ પહોળી અને દોઢ ફૂટ ઊંડી ઢાળની વિરુદ્ધ દિશામાં નીક ગાળવાની છે. એક નીકને ને છોડી બીજી નીકમાં પાણી + જીવામૃત આપવાનું છે અને નીકની બંને કિનારી ઉપર મરચાં, આદુ, ચોળી અને વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવું. મહિનામાં એક અથવા બે વખત જીવામૃતને પાણીમાં ભેળવી આપવું અને તેનો છંટકાવ પણ કરવો જોઈએ. એકને છોડીને બીજી નીક કે જેમાં પાણી નથી આપતા તેને આચ્છાદનથી ભરી દેવી જોઈએ.
પ્રકૃતિમાં જૈવિક વિવિધતા છે. તમે જંગલમાં જાઓ અથવા તો ખેતરના કાઢીયા પર નજર નાખશો તો વિવિધ પ્રકારની વનસ્પતિઓ વધતી જણાશે. તેઓ એકબીજાની સહયોગી છે. કોઈ એક વનસ્પતિ બીજી વનસ્પતિનું ભોજન ઝૂંટવતી નથી. એ વાત ખોટી છે કે વૃક્ષની પાસે બીજા વૃક્ષને વાવવામાં આવે બીજા વૃક્ષનું ભોજન ચોરી લે છે અથવા ભાગ પડાવે છે. વાસ્તવિક સ્થિતિ આનાથી સાવ જુદી જ છે. પ્રકૃતિમાં શોષણ નહિ પરંતુ સાહચર્ય છે, સહજીવન છે. આંબાના ઝાડ રોપતી વખતે આપણે પ્રકૃતિના આ નિયમોનું અનુસરણ કરવાનું છે.
એક બીજી વાત પણ છે. તમે વિચાર કરો કે જો માત્ર આંબાના વૃક્ષોનું જ વાવેતર કરવામાં આવે એટલે કે તેની સાથે બીજા સહજીવી વૃક્ષો લગાવવામાં ન આવે તો કુદરતી આપત્તિ વખતે ફળના ઉત્પાદનને અસર થાય છે અને હાથમાં કશું આવતું નથી. પરંતુ જો આપણે આંબાના વૃક્ષની સાથે સાથે સહયોગ આપનારા આમળા, દાડમ, સરગવો વગેરે આંતરપાક તરીકે વાવીએ તો કુદરતી આપત્તિમાં એક પાક નિષ્ફળ જાય બાકીના બચી જાય કારણકે બધાના ફળ આપવાનો સમય અલગ અલગ હોય છે. આ આંતરપાક એકબીજાના વિકાસમાં સહયોગ આપે છે. આચ્છાદન માટે જીવંત પદાર્થ આપે છે. આંબાને નુકસાનકારક કીટકોના નિયંત્રણ માટે આપણા મિત્ર કીટકો આ બીજા આંતરપાક પર જીવે છે. સાથોસાથ તે વર્ષો સુધી આજીવિકા પણ આપે છે.
પ્રસર્જન:
આંબાનો છોડ લગાવવા માટે દેશી આંબાની ગોટલી લો. જે આંબાના વૃક્ષનો ઘેરાવો વધુ હોય, જેના ફળ ખાટા હોય, ડાળીઓ મજબૂત હોય, પિયતના પાણી વિના પણ માત્ર વરસાદ પર નિર્ભર હોય તેવા વૃક્ષને માતૃછોડ (ROOT STOCK) તરીકે ઉપયોગ કરવો વધારે ઉત્તમછે. ગોટલીની અંકુર ક્ષમતા જ્યારે તેને ફળમાંથી કાઢીએ છીએ ત્યારે સૌથી વધારે હોય છે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ અંકુરણ ક્ષમતા ઓછી થતી જાય છે એટલા માટે જ્યારે ગોટલી વાવવાની હોય તે સમયે પહેલા જ ફળમાંથી ગોટલી કાઢવી જોઈએ. ગોટલીઓને બીજામૃતથી સંસ્કારિત કરવું અનેત્યાર પછી 33 x 33 ફૂટના અંતરે ગોળાકાર ખાડામાં ત્રણથી ચાર ગોટલીઓ લગાડવી.
ગોટલીઓને ખાડામાં રાખ્યા બાદ ઉપરનાં ચાર ભાગમાં જે તે સ્થળની માટી + બે ભાગ ચાળેલું દેશી છાણનું ખાતર+ એક ભાગ ઘનજીવામૃત – આ વસ્તુઓનું મિશ્રણ સારી રીતે ગોટલા ઉપર નાખી હળવે હાથે દબાવી દેવું. ત્યારબાદ ઝારા વડે પાણી આપો તથા જીવામૃત છાંટીને તેના પર સૂકાયેલા ઘાસનું આચ્છાદન કરી દેવું.
આંબો એવરગ્રીન વૃક્ષ છે જે પિયત વગર પણ જીવે છે અને ફળ આપે છે પરંતુ તમે જે નર્સરીમાંથી કલમ લાવો છો તેનું મુખ્ય મૂળ અને ઉપમૂળ કપાયેલા હોય છે. જેને કારણે પવન, આંધી, દુષ્કાળ અને પાણીના અભાવમાં લાંબુ જીવી શકતા નથીમાટે નર્સરીમાંથી કલમની ખરીદી કરવાને બદલે ગોટલાના માધ્યમથી વાવવા અથવા તેના ઉપર કલમ કરવી. નુતન કલમ કરવી જૂનમાં ગોટલા વાવ્યા બાદ ૨૦ થી ૪૦ દિવસમાં તેનું અંકુરણ થાય છે. અંકુરણના એક વર્ષ બાદ આંબાના છોડનાં મૂળ ૧૫૦ સેન્ટિમીટરથી વધારે ઊંડાઈએ તથા ૯૦ થી ૧૨૦ સેન્ટિમીટરથી વધારે જમીનની સપાટીને સમાંતર જમીનનીમાં આગળ વધે છે. ગોટલીઓ વાવ્યા બાદ ૧૨ થી ૧૫ મહિના પછી મુખ્યત્વે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નુતન કલમ (SOFT WOOD GRAFTING) આ છોડ પર આ સમયે છોડ પર લગભગ પંદરથી સોળ પાન આવેલ હોય છે. આ પાન કલમને જોડવા માટે આવશ્યક ખાદ્ય સામગ્રી સંચય કરે છે. આપણે ઉપરના ભાગમાં માતૃરોપ (SCION) લગાડવાનો છે. માતૃ છોડ તરીકે જે આંબાનું ઝાડ લેવાનું છે તેમાં નીચે મુજબની વિશેષતાઓ હોવી જોઈએ.
૧.વધુ ફળ આપનાર હોવું જોઈએ.૨. મીઠાશ યુક્ત હોવું જોઈએ૩. ફળનો સ્વાદ રૂપ રંગ ઉત્તમ હોવા જોઈએ
૪. તે રોગોથી મુક્ત હોવું જોઈએ
આ વિશેષતાઓથી યુક્ત આંબાના વૃક્ષની સીધી ડાળીઓ પસંદ કરો.આની લંબાઈ ૧૦ થી ૧૫ સેન્ટિમીટર હોય એના પર ૮ થી ૧૦ આંખો હોય. જેટલા ઝાડ લગાવવાના હોય એનાથી બે ગણી સંખ્યામાં માતૃરોપની પસંદગી કરવી. જે દિવસે કલમકરવાની હોય તેના આઠથી દસ દિવસ પહેલા માતૃરોપ (નાની નાજુક ડાળી) તેની ઉપરના ભાગેથી લઈને નીચે સુધીના બધા જ પાંદડાઓને પર્ણદંડ રાખીને દૂર કરવા. પર્ણ દુર કર્યા બાદ પર્ણદંડને તોડતા પહેલા અઠવાડિયામાં બે વખત તેના ઉપર જીવામૃતનો છંટકાવ કરો. કપડામાંથી ગાળેલું ૧૦ લીટરને સો લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો કલમકરવાની પધ્ધતિ ગોટલીમાંથી નીકળ્યા બાદ ૧૪ થી ૧૫ મહિનાની ઉંમરના છોડ પર કલમ (માતૃછોડ) કરવાની છે તેના સૌથી ઉપરના ૬ થી ૮ સેન્ટીમીટર સુધીના ભાગને કાપી નાખો. ત્યારબાદ તિક્ષ્ણ ધારવાળા ચપ્પુથી બરોબર વચ્ચો વચ્ચ ૫ થી ૬ સેન્ટીમીટર નીચે સુધીનો ભાગમાં કાપો મુકો. ત્યારબાદ માતૃરોપના નીચેના ભાગ સુધી બંને સાઈડમાં અંગ્રેજી વી (V) આકાર જેવો કાપ મુકો અને તેને કલમના ઉપરી કાપામાં ફીટ કરી દો.માતૃરોપ અને કલમ આ બંનેનો આકાર સરખો હોવો જોઈએ. ત્યારબાદ તેની ઉપર પોલિથીનની પટ્ટી બાંધી દેવી, કલમ કર્યા બાદ દસ થી પંદર દિવસ પછી માતૃરોપ ઉપર આંખો અંકુરણમાં રૂપાંતરિત થવા લાગે છે અને તેમાંથી નવા પાન ફૂટવા લાગે છે. છોડના નીચેના ભાગમાં નીકળતા આ પાન અને અંકુરને દર પંદર દિવસે દુર કરતા રહો. જ્યારે કલમ એકરૂપ થઈ જાય અને પાંદડા લીલા રંગના થાય ત્યારે પોલિથીનની પટ્ટી છોડી નાખો. ત્યારબાદ કલમ ઉપર મહિનામાં એક થી બે વખત જીવામૃતનો છંટકાવ કરવો. ઓક્ટોબર- નવેમ્બર થી મે- જૂન સુધી આ નવજાત છોડને અતિશય ઠંડી અથવા સૂર્ય તાપથી બચાવવા માટે તુવેર, બાજરો વગેરે મિશ્ર પાકો વાવતા રહેવું અને સાથોસાથ સહજીવી છોડની રોપણી કરવી. મૃદુ કાષ્ટ કલમ (SOFT WOOD GRAFTING) એ સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં નિશ્ચિત સ્થાન પર રોપણી થવાને કારણે મુખ્ય મૂળ ઊંડે સુધી જાય છે. ગોટલી વાવ્યા બાદ સતત ત્રણ વર્ષ સુધી આપણે તે સ્થાનમાં માતૃરોપની કલમ કરી શકીએ છીએ. આ પદ્ધતિ સરળ, આસાન અને સસ્તી હોવાથી સર્વોત્તમ છે.
માતૃરોપને બહારથી લાવવા:
જ્યારે તમે આંબાનો બગીચો બનાવવા માટે કોઈ વિશેષ આંબાની જાત પસંદ કરો છો જે અન્ય ગામકે વિસ્તારમા હોય તો આવી પરિસ્થિતિમાં આપે માતૃરોપને કાઢતા પહેલા તે સ્થળે જઈને પસંદ કરેલ ડાળીઓના પાન તોડી નાખવા. ત્યારબાદ આઠથી દસ દિવસ પછી માતૃરોપને કાપો. આ કાપેલા માત્ર છોડને એક તૃતીયાંશ ભાગને જીવામૃતમાં ડુબાડીને રાખો. ત્યારબાદ ભીના શણના કોથળામાં તેને લપેટીને,તેને દોરી વડે બાંધી પોતાના ગામડે લાવવું. આવતા સમયે તાપમાન વધુ હોય તો કોથળા ઉપર ત્રણ ચાર વાર પાણીનો છંટકાવ કરવો. માતૃ વૃક્ષમાંથી માતૃરોપ તોડયા બાદ ૨૪ કલાકમાં મૂળ કાંડ પર લગાવી દો તોજ અપને ૭૦-૮૦% સફળતા મળશે. ૭૨ કલાક બાદ આ સફળતા ઘટીને ૫૦% સુધી આવી જશે.
કલ્મીકરણ બાદ થડની ચારે બાજુ આચ્છાદન લગાડી દેવાથી આજુબાજુ ઘાસ નહિ ઉગે. જો કોઈ વનસ્પતિ ઉગીને બાર આવે છે તો એને ઉપાડીને એને આચ્છાદનના રૂપમાં પાથરી દો.
છોડને પવનની તીવ્ર લહેરોથી સુરક્ષિત રાખવા મારો પહેલેથી જ લાકડા ના ટેકાની જરૂર પડે છે એટલે છોડની બાજુમાં એક લાકડી જમીનમાં દાટીને ઉભી કરી લો અને છોડને લાકડાની સાથે દોરી વડે હળવી બાંધી દો. કલમ બાંધ્યા બાદ ચાર વર્ષ સુધી છોડમાં જે પણ ફળ આવે એને તોડતા જાવ. શરૂઆતની અવસ્થામાં છોડમાંથી ફળ તોડવા અપ્રાકૃતિક છે કારણ કે એનાથી છોડ કમજોર બને છે. તેમજ એમનું આયુષ્ય ઓછું થાય છે. ૫ થી ૧૦ વર્ષ સુધી આપણે મર્યાદિત માત્રામાં જ ફળો લેવા જોઈએ. ૧૦ વર્ષ પછી બધા ફળો લઈ શકીએ.
ફૂલ મોર આવ્યા બાદ પર્ણદંડ સહિત ફળોને તોડવા જોઈએ. જૂન મહિનામાં જેવો વરસાદ થાય તેમ તેના પર્ણદંડ પર બે થી ત્રણ નવી શાખાઓ ફૂટી નીકળશે. આ નવી શાખાઓ સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી પરિપક્વ બને છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મોર આવાનું શરૂ કરી દે છે.
આંબામાં ત્રણ પ્રકારના ફૂલો આવે છે. ૧. નર ફૂલ ૨. માદા ફૂલ ૩. નપુંસક ફૂલ.
ફૂલ બહારમાં નર ફૂલો સૌથી પેહલા વિકસિત થાય છે. એના કારણે માદા ફૂલોનું પરાગ સંક્રમણમાં નર પુષ્પ ઉપયોગમાં નથી આવતું. પવનના માધ્યમથી પણ નર પુષ્પોનું પરાગ વિકીર્ણન નથી થઈ શકતું, એ કારણે પરાગ સંક્રમણમાં મધમાખીઓની ભૂમિકા ખુબ મહત્વની હોય છે. એટલા માટે જ મધમાખીઓને આકર્ષિત કરવા માટે ફૂલ પાકોનું આંતરપાક તરીકે લગાવવું આવશ્યક બને છે. મધમાખીઓના માધ્યમથી ફલિત ફળો સૌથી ઉત્તમ અને નિરોગી હોય છે તથા ફળ લાગવાની શક્યતાઓ પણ વધારે હોય છે.
જુના આંબાનું નવીનીકરણ:
દેશી આંબાના વૃક્ષનું આયુષ્ય લગભગ ૨૫૦ વર્ષ હોય છે, પરંતુ પ્રાકૃતિક વ્યવસ્થામાં આપણી અજ્ઞાનતાને કારણે તે ૫૦ વર્ષમાં જ સમાપ્ત થઈ જાય છે આપણા બગીચામાં ઉભેલા જુના વૃક્ષો પહેલાં જેટલું ઉત્પાદન આપતા નથી તેમાં જો આપ ઉત્પાદન વધારવા માગતા હો તો તેને માટે નીચેના ઉપાય કરવા જોઈએ.
આંબાના જે બગીચામાં ફળ નાના, ખાંટા, અને તેલ ગ્રંથિઓ થી ભરેલા હોય છે, આવા વૃક્ષને જમીનથી આઠ-દસ ઉપરના ભાગને આરીથી કાપી નાખો. કાપતી વખતે ધ્યાન રાખવું કે મૂળના ભાગ પર કોઈ હાનિ ન થાય. કાપતી વખતે મૂળ પ્રાથમિક ડાળીઓનું વધુમાં વધુ સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરો કાપ્યા બાદ ડાળીઓ પર લીમડાનો લેપ લગાવી દો.
શાખાઓના સૌથી ઉપરના ભાગ પર નીકળતા ૮ થી ૧૦ માતૃરોપ અંકુર અથવા નવી ડાળીઓને રાખવાની છે બાકીનાને હટાવી દો. જ્યારે આ અંકુર નવો અંકુર ૧૦ થી ૧૫ સેમી લંબાઈનો થાય છે ત્યારે તેના પર પસંદ કરેલા કેરીની કોઈ પણ પ્રકારના માતૃકાંડ કલમ લગાવી દો. લાગવાની વિધી અગાઉ બતાવેલી છે.
ફળ સુરક્ષા:
જમીન પોતે બળવાન હોવાથી રોગ કે કીટકોનો ઉપદ્રવ થતો નથી. છતાં પણ એવું જણાય તો સમયે સમયે નીમાંસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વાયવીડંગસ્ત્ર, સોંઠાસ્ત્રા ચાચકા તથા છાશનો ઉપયોગ કરવો.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.