શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કચ્છ ખાસ ભરતી અંતર્ગત ભુજ ખાતે ૧૬૩ વિદ્યાસહાયકોને નિમણૂંક પત્રનું વિતરણ કરાયું

– ડૉ. પ્રદ્યુમન વાજા, શિક્ષણમંત્રીશ્રી
– શિક્ષકો વિકસિત ભારત નિમાર્ણ સંકલ્પના બ્રાન્ડએમ્બેસેડર છે
– નંબર ગેમ નહીં પરંતુ બાળકોના કૌશલ્ય સર્જનની ચિંતા કરીને નોકરીદાતા બનાવો
– ગોખણીયું નહીં પરંતુ સમજણપૂર્વકનું જ્ઞાન આપી બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી વહન કરવા શિક્ષકોને અનુરોધ
માહિતી બ્યૂરો, ભુજ
આજરોજ ભુજ ખાતે કચ્છ ખાસ ભરતી અંતર્ગત વિદ્યાસહાયકોને નિમણૂંક પત્રનું વિતરણ રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કરાયું હતું. પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ આ નિમણૂંક પત્રને વિકસિત ભારતનો “સંકલ્પ પત્ર” તથા ઉજ્જવળ ભારતના ભવિષ્યને ઘડનારા શિલ્પીઓને વિકસિત ભારત સંકલ્પના “બ્રાન્ડએમ્બેસેડર” ગણાવતા બાળકોના ઘડતરની જવાબદારી ઇમાનદારીપૂર્વક વહન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
ભુજ ખાતે આર.ડી.વરસાણી હાઇસ્કૂલ ખાતે શિક્ષણ વિભાગ પ્રેરિત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ આયોજિત સ્પેશિયલ ભરતી અંતર્ગત કાર્યક્રમમાં ૧૬૩ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે નિમણૂંક હુકમ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ ભારતનું ભવિષ્ય ઘડનાર શિક્ષકોને “નિમણુંક ત્યાં જ નિવૃતિ” નીતિ સાથેના નિમણૂંક પત્ર એનાયત કરવાની ક્ષણને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી કહેતા હોય છે કે, રાષ્ટ્રનું ઘડતર વર્ગખંડમાંથી નિર્માણ થતું હોય છે, તેથી જ ભારતની સંસ્કૃતિ અને વિરાસત સાથે આધુનિકતાના મિશ્રણરૂપ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલી કરાઇ છે. ત્યારે આ શિક્ષણ નીતીને કેન્દ્રમાં રાખીને બાળકોને નંબર ગેમમાંથી બહાર લાવી તેના કૌશલ્યસર્જનની ચિંતા સાથે તેઓનું નોકરી સર્જનાર યુવાન તરીકે ઘડતર કરવા શિક્ષકોને હાકલ કરી હતી.
આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દીની ઉજવણી થઇ રહી હોય ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બને તે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે. આ સંકલ્પને સાકાર કરવાનો મૂળભૂત પાયો શિક્ષણ હોવાથી તેમણે શિક્ષકોને વિકસિત ભારતના સપનાને સાકાર કરનાર બાળકોના ભવિષ્યનું સર્વાંગી ઘડતર કરવા અનુરોધ કર્યો હતો. વિકસિત ભારતની સંકલ્પના જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત એટલે જ્યાં માળખાકીય સુવિધા નહીં પણ દરેક નાગરિકોનું જીવનસ્તર ઉંચુ આવે તે આપણું લક્ષ્ય છે, આ લક્ષ્યને મેળવવા શિક્ષકોની પાયાની ભૂમિકા રહેશે. તેમણે નિમણૂંક પત્રોને વિકસિત ભારત યાત્રાના બોર્ડીંગ પાસ ગણાવીને દરેક શિક્ષકને આ યાત્રામાં સહાયોગ આપવા તથા ઉમદા બ્રાન્ડએમ્બેસેડરની ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી.
આ તકે તેમણે શિક્ષકોને શીખ આપતા જણાવ્યું હતું કે, ગુરૂનું સ્થાન દેવ તૂલ્ય છે, બાળકોને માત્ર ગોખણીયું શિક્ષણ નહીં પરંતુ સમજણપૂર્વકનું જ્ઞાન સાથે તેઓનો સર્વાંગી વિકાસ થાય તેના પર ભાર મૂકજો. આ તકે તેમણે શિક્ષકોને નિષ્ઠાથી જવાબદારી વહન કરવા સાથે શિક્ષણનો પ્રકાશ ફેલાવીને સમાજ, વિદ્યાર્થીઓના માતા-પિતાનો વિશ્વાસ સાર્થક કરવા અપીલ કરી હતી.
ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી જણાવ્યું હતું કે, “નિયુક્તિ ત્યાં જ નિવૃતિ”ની નીતિ સાથેની કચ્છ માટેની આ ખાસ ભરતીથી કચ્છના ગામડાઓમાં શિક્ષકોની ઘટની ચિંતા ઓછી થશે. બાળકોને સતત અને સંપૂર્ણ શિક્ષણ મળી રહેશે. ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ ખાસ ભરતી માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, દેશનું ભવિષ્ય ઘડનાર ગુરૂજન હોય છે. તેમણે દરેક શિક્ષકોને જ્યાં પણ ફરજ સોંપાય ત્યાં શિક્ષણને કેન્દ્રમાં રાખીને નિષ્ઠાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરેમનેશ્રી વિરમભાઇ ગઢવીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ખાસ ભરતથી કચ્છનું ગ્રામ્ય શિક્ષણનું સ્તર ઉંચુ આવશે. શિક્ષકોની ઘટની સમસ્યા ઓછી થતાં બાળકોના ભવિષ્યની ચિંતામાંથી વાલીઓને મુક્તિ મળશે.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજ્ય પરમાર, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઇ પીંડોરીયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ રામજીભાઇ શીયાણી, કિશોરભાઇ વેકરીયા, વસંતભાઇ પટેલ સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી મનન ઠક્કરે કર્યું હતું.