કચ્છની આંગણવાડીઓ બનશે ‘સ્માર્ટ’: ૧૪૫૫ કેન્દ્રોમાં નવીનીકરણની ઝુંબેશ સાથે ૪૬ કેન્દ્રોની કાયાપલટ

કચ્છ જિલ્લાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણને વધુ પ્રેરણાદાયી બનાવવાના હેતુથી જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ
અધિકારી (DDO) અને પ્રોગ્રામ ઓફિસર (ICDS)ના સીધા નેતૃત્વ હેઠળ જિલ્લાની કુલ ૧૪૫૫ આંગણવાડી કેન્દ્રોના
નવીનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં ૪૬ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાન, જરૂરી મરામત અને
રિપેરીંગની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કેન્દ્રો હવે નવા રંગરૂપ સાથે બાળકોને આવકારવા તૈયાર
છે. બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે હેતુથી પંચાયતના સક્રિય સહયોગથી આંગણવાડીઓમાં સ્વચ્છતા
અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. આ નવીનીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી આંગણવાડીઓને વધુ આકર્ષક અને
સુવિધાજનક બનાવવાનો છે. દીવાલો પર શૈક્ષણિક ચિત્રો અને આધુનિક સાધન-સામગ્રી દ્વારા બાળકોને ‘ગમ્મત સાથે
જ્ઞાન’ મળી રહે છે. આ સ્માર્ટ આંગણવાડીઓ માત્ર શિક્ષણનું કેન્દ્ર જ નહીં, પરંતુ બાળકો માટે રમત-ગમત અને
સર્જનાત્મકતાનું હબ બનશે. અન્ય કેન્દ્રોમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જિલ્લાના તમામ બાળકોને
ખાનગી પ્લે-સ્કૂલ જેવી જ આધુનિક સુવિધાઓ સરકારી કેન્દ્રોમાં મળે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ ઝુંબેશથી ગ્રામ્ય સ્તરે
શિક્ષણના સ્તરમાં સુધારો થશે અને બાળકોમાં આંગણવાડી આવવાનો ઉત્સાહ વધશે. આમ, જિલ્લાની આંગણવાડી કેન્દ્રો
વધુ આકર્ષક, સ્વચ્છ અને સુવિધાજનક બનાવવાના હેતુથી નવીનીકરણ ઝુંબેશ થકી ભૂલકાઓને હવે ગમ્મત સાથે જ્ઞાન
મેળવવા માટે વધુ પ્રેરણાદાયી વાતાવરણ મળી રહેશે.