ભુજના સંજોગનગરના રહેણાક મકાનમાં કેમિકલ પદાર્થ ફેકી કર્યો બ્લાસ્ટ

ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં આવેલ ખોજા ચોક નજીક એક રહેણાક મકાનમાં કેટલાક શખ્સોએ અંગત અદાવતમાં કેમિકલ પદાર્થ ફેકી ઘરને સળગાવી નાખતા ઘરવખરી સહિત આખેઆખુ ઘર બળીને ખાખ થઇ ગયું હતું. આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

શહેરના સંજોગ નગરમાં ગત મોડી સાંજે ખોજા ચોકમાં આવેલ એક રહેણાંક મકાનમાં કેટલાક શખ્સો જ્વલનશીલ પદાર્થ સાથે ધસી આવ્યા હતા અને મકાનને જાણે બ્લાસ્ટ કર્યો હોય તેમ ધડાકા સાથે ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ સમગ્ર મામલે મકાનના માલિક ફરીદાબેન અજડિયાએ કહ્યું હતું કે કેટલાક શખ્સો અચાનક અમારા ઘર પર ધસી આવ્યા હતા અને આજુબાજુના લોકોને ધાકધમકી કરી અમારા ઘર ઉપર ડબ્બામાં ભરેલ જ્વલન્સીલ પદાર્થ ફેંકી નાસી ગયા હતા.

આ જ્વલન્સીલ પદાર્થ ફેંક્યા બાદ અચાનક ધડાકો થયો હતો અને એકાએક ઘર સળગી ઊઠ્યું હતું. આ બનાવની જાણ આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા અને બાજુમાં આવેલ પાણીના પ્લાન્ટમાંથી આગ બજાવવાનું પ્રયત્ન કર્યું હતું. આ મામલે ફરીદાબેન અજડીયાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે અને આ બનાવના કસુરવાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.