કચ્છના દેવપરયક્ષના નીલમબેન ‘નમો ડ્રોન દીદી’ યોજના અંતર્ગત તાલીમ મેળવી બન્યા “ડ્રોન દીદી”

રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અને અવિરત મળતી સહાયના કારણે આજે છેવાડાના ગામની મહિલાઓ ઘરથી દૂર જઈને રોજગારી મેળવીને પગભર બની છે. આ યોજનાઓ મહિલાઓના કૌશલ્ય વિકાસ સાથે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે. રાજ્ય સરકારના આવા સહકાર અને પોતાની જિજ્ઞાસાવૃતિના કારણે ડ્રોન દીદી બનીને કચ્છના નીલમબેન ભીમાણી મહિલા સશક્તિકરણનું પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.
કચ્છના નખત્રાણા તાલુકાના દેવપરયક્ષ ગામના નીલમબેન ભીમાણી છેલ્લા ઘણા સમયથી બાળકોના પાલન પોષણની સાથે ઘરનું ગુજરાન જાતે ચલાવી રહ્યા છે. રોજગારી મેળવી આત્મનિર્ભર ડ્રોન દીદી બનવાની સફર વિશે વાત કરતાં નીલમબેને જણાવ્યું હતું કે, એક દિવસ સંકલ્પ વિકાસ યાત્રામાં મે ડ્રોનને જોયું હતું ત્યારે મને વિચાર આવ્યો કે, મારે પણ ડ્રોન લઈને ચલાવવું છે…. બસ… આ જ ઝંખનાએ નીલમબેને ગામના પ્રથમ “ડ્રોન દીદી” બનાવ્યા હતાં.
ટેક્નોલોજીના યુગમાં ખેડૂતોએ પણ અપડેટ થઈને આધુનિક ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ અદ્યતન ખેતી તરફ વાળવાના સંકલ્પ થકી ડ્રોનની તાલીમ લેવાની પ્રેરણા મળી હતી તેમ નિલમબેને ઉમેર્યું હતું. ખેતીક્ષેત્રે ડ્રોનના ઉપયોગી ફાયદા વિશે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ખેતીમાં જરૂરી દવાના છંટકાવ માટે હેન્ડપંપના ઉપયોગ સામે ડ્રોનના ઉપયોગથી સમયના વ્યયથી બચી, ઓછા શ્રમથી મહત્તમ કામ કરી શકાય છે.
નીલમબેને જણાવ્યું હતું કે, ડ્ર્રોનની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા પાઈલોટને ૬૦% તથા પુરુષોને ૪૦% જેટલી સબસિડી આપવામાં આવે છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તેઓને વડોદરા GSFC ખાતે નિષ્ણાંતો દ્વારા ૧૫ દિવસની ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ તાલીમમાં ડ્રોનની બેઝીક માહિતીથી લઈને ડ્રોન ચલાવવાની પ્રેક્ટીકલ પરીક્ષા સુધીનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન ૧૫ દિવસનો રહેવા, આવવા જવાના સંપૂર્ણ ખર્ચા સાથે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. નીલમબેને જણાવ્યું હતું કે, મહિલાઓ ફક્ત શિક્ષણથી જ નહીં પરંતુ પોતાની આવડત, ધગશ અને સંકલ્પના બળે સફળ બની શકે છે. આજે પરીવાર સહયોગ તથા સરકારના સહકારથી મેં ઘરથી દૂર જઈને, રોજગારી મેળવીને કંઈક ઈનોવેટીવ કરીને મારી ઓળખ બનાવી છે. મને વિવિધ તાલુકાઓમાંથી ખેતીના દવા છંટકાવના સતત ઓર્ડરો મળતા રહે છે જેમાં એકરદીઠ ભાવ મળી રહ્યા છે જેથી મહિનામાં ચોક્કસ આવક મળી રહી છે.
નીલમબેને અંતરીયાળ ગામની મહિલાઓને હુન્ન્રરના બળે સપના સાકાર કરવાનું જણાવીને ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી આધારિત ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. “ડ્રોન દીદી” ની મળેલી આગવી ઓળખ બદલ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીનો તેમજ યોજના સંબંધિત વિભાગોનો નીલમબેને હદયપૂર્વક આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગથી ખેડૂતોનો સમય અને નાણાંની બચત થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત એકર દીઠ સહાય મળવાપાત્ર રહેલી છે. આ યોજનાનો લાભ એટસોર્સ ઘટક તથા ઓનલાઇન આઇ-ખેડૂત પોર્ટલ દ્વારા મેળવી શકાય છે.