ગુજરાત સરકારના બજેટને શ્રેષ્ઠ, સમતોલ, સર્વાંગી અને સંતુલિત ગણાવતા જીલ્લા ભાજપ અધ્યક્ષ

આજરોજ ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લોકાભિમુખ સરકાર દ્વારા વર્ષ 2026–27 નું બજેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે રાજ્ય સરકારના બજેટને વધાવતા જણાવ્યું હતું કે આ બજેટ 2047ના વિકસિત ભારતની સમાંતરે ઊભનારા સમૃદ્ધ, સક્ષમ અને શિક્ષિત ગુજરાત બનાવવાની દિશામાં આગેકૂચ કરતું એક દૂરંદેશીભર્યું બજેટ છે.

વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે સમાજના પ્રત્યેક વર્ગોને આવરી લેતા આ બજેટ થકી ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતામાં વધારો થશે, શ્રમિકો અને ગ્રામીણ ગુજરાતનું જીવનધોરણ ઊંચું આવશે, યુવાનો માટે રોજગારીની અનેક તકો સર્જાશે, કિસાનો, માલધારીઓ માટે પાક ઉત્પાદન ક્ષમતા વધારવા અને કૃષિ સલામતી બાબતે લાંબાગાળાના આયોજનો ઊભા કરવા તેમજ મહિલા સશક્તિકરણની દિશામાં વેગ મળે તેવા પ્રયત્નો હાથ ધરવા જેવા અનેક મુદ્દાઓ સમાવિષ્ટ છે.

નર્મદાના પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવવા કચ્છમાં સુજલામ સુફલામ પાઈપ લાઈન યોજના માટે માતબર રકમની ફાળવણી, કામધેનુ મહાવિદ્યાલય હેઠળ ભુજ અને હિંમતનગર ખાતે પશુ ચિકિત્સા અને પશુપાલન યુનિવર્સિટી માટે અઢાર કરોડ જેટલી રકમની જોગવાઈ માટે તેમજ કચ્છના આરોગ્ય કેન્દ્રની ખાસ ચિંતા કરીને વિશેષ બજેટ ફાળવવા બદલ કચ્છની જનતા વતી તેમણે રાજ્ય સરકારનો ખાસ આભાર માન્યો હતો.

શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે 3354 કરોડની જોગવાઈ, અમૃત મિશન 2.0 યોજના હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોના વિકાસ અને પરિવહન માળખા માટે 1900 કરોડની જોગવાઈ, રાજ્યોના વિવિધ માર્ગો અને પુલની કામગીરી માટે 10008 કરોડની જોગવાઈ જ્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે 5600 કરોડની જોગવાઈ, ભારતને વિકસિત રાષ્ટ્ર પુરવાર કરવાના શ્રેષ્ઠ અવસર એવા ઓલિમ્પિકના આયોજન માટે અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે 500 કરોડની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે.

સરવાળે શ્રી વરચંદે સમગ્ર બજેટને વ્યાપારથી લઈને સંસ્કાર, શિક્ષણથી લઈને સંસ્કૃતિ, ઉદ્યોગોથી લઈને અધ્યાત્મ સુધીની ચિંતા કરતું એવું ગરવી ગુજરાતને વધુ ગૌરવવંતું બનાવતું બજેટ ગણાવ્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.