આજરોજ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા “VB G RAM G” અભિયાન અન્વયે ભુજ એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંમેલન યોજાયું

ગ્રામીણ ભારતના વ્યાપક અને સ્થાયી પરિવર્તનની દિશામાં એક ઠોસ અને દૂરંદેશીભર્યું કદમ ઉઠાવવાના સુભાશયથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે “વિકસિત ભારત – G RAM G અધિનિયમ, 2025” ને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાએ મૂળભૂત રીતે અગાઉ પ્રવર્તતી મનરેગા યોજનાનું સ્થાન લીધું છે અને તેની રચના જુના કાયદામાં માળખાકીય ફેરફારની જરૂરિયાતોને આધારે કરવામાં આવી છે જેના થકી વિકસિત ભારત 2047 ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ વિકાસના મુખ્ય ઉદ્દીપક તરીકે ગ્રામીણ રોજગારને પુનઃવ્યાખ્યાયિત કરી શકાય.
આ યોજનાના વ્યાપક પ્રચાર પ્રસાર અને જરૂરી જનજાગૃતિના ઉદેશ્યથી હાલમાં તાલુકા કક્ષાએ ઠેરઠેર ખેડૂત શ્રમિક સંમેલનો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત કચ્છ જીલ્લા ભાજપ દ્વારા પણ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વિવિધ સ્થળોએ આ ખેડૂત સંમેલનો યોજાયા બાદ આજરોજ ભુજ ખાતે એક વિશાળ ખેડૂત શ્રમિક સંમેલન યોજાયું હતું. સંમેલનના પ્રારંભે સર્વે અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ સ્વાગત પ્રવચન ભુજ એપીએમસી ચેરમેન શંભુભાઈ જરૂએ કર્યું હતું.
આ સંમેલનને સંબોધતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મહત્વકાંક્ષી, દુરોગામી યોજના થકી ગ્રામીણ શ્રમિકોના જીવન ધોરણમાં ચોક્કસપણે ઉન્નતિ આવશે. ગ્રામીણ ભારતની વિકાસયાત્રા વધુ વેગવંતી બનશે અને પરિણામે ગામડાઓ તમામ પરિપ્રેક્ષ્યમાં મજબૂત બનીને ઉભરી આવશે. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે મનરેગાની સાપેક્ષે આ યોજના થકી શ્રમિકોને વેતન ચુકવણાઓ સહિતની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.
જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજના થકી વર્ષમાં 125 દિવસ કામની ગેરંટી આપવામાં આવે છે અને ફક્ત એક જ અઠવાડિયામાં તેઓને કામનું વળતર ચૂકવવાની પૂરતી જોગવાઈ સમાવિષ્ટ કરેલ છે. જો કોઈ કારણોસર 15 દિવસ સુધી વળતર ચૂકવવામાં ન આવે તો વ્યાજ સહિત વધારાની રકમ ચૂકવવાનો પણ આ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણને ધ્યાને રાખીને આ યોજનામાં ખાસ 33% મહિલાઓને કામ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
જીલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર અને કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ પણ તેમના પ્રાસંગિક ઉદ્બોધનોમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તમામ સ્તરે વહીવટને સરળ અને પારદર્શક બનાવવા માટે અવિરત પ્રયત્ન કરી રહી છે ત્યારે આ નુતન યોજના થકી હવેથી ગ્રામીણ ભારત અને શ્રમિક સમુદાય પણ વિકાસની હરણફાળ ભરશે એ તદ્દન સ્પષ્ટપણે વર્તાય છે.
આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષો પ્રફુલ્લસિંહ જાડેજા, અશોકભાઈ હાથી, રેશ્માબેન ઝવેરી, આશિકાબેન ભટ્ટ, જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીલ્લા પંચાયત ઉપાધ્યક્ષા મનીષાબેન વેલાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, વિવિધ મોરચાના પ્રમુખ પારૂલબેન કારા, હિતેશભાઈ પાંચાણી, ભુજ એપીએમસી વાઈસ ચેરમેન મહેશભાઈ ઠક્કર, ભુજ શહર ભાજપ સંગઠન મહામંત્રી રિતેનભાઈ ગોર, સહકારી ક્ષેત્રના આગેવાનો વિશ્રામભાઈ રાબડિયા, શામજીભાઈ રાણાભાઈ આહિર સહિતના અગ્રણીઓ, એપીએમસીના ડાયરેક્ટરો, સહકારી ક્ષેત્રના આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં કિસાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનનું સંચાલન ભુજ તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ બરાડિયા જ્યારે આભારવિધિ અન્ય મહામંત્રી દિનેશભાઈ ઠક્કરે કરી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.