ખેત જમીનને ફળદ્રુપ બનાવતા ‘મફતના કુદરતી શ્રમિકો’ એટલે દેશી અળસિયાં

આજે ઝેરયુક્ત રાસાયણિક ખાતરથી દૂષિત ખેતી અને તેની ઉપજોના દુષ્પરિણામો બધાની સામે આવવા લાગ્યા છે, ત્યારે ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળવા લાગ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં એવું કહેવાય છે કે, ખેડૂતે ખેતી નથી કરવાની; ખેતી તો અળસિયાં અને સૂક્ષ્મ જીવો કરશે, ખેડૂતે તો માત્ર તેનું સંચાલન કરવાનું હોય છે. આ ખેતીમાં દેશી અળસિયાં એ જમીનને ફળદ્રુપ બનાવતા મફતના કુદરતી શ્રમિક છે, જે ૨૪ કલાક કામ કરે છે. તેને કોઈ પગાર નથી ચૂકવવો પડતો. તેને માત્ર એનર્જી ડ્રિંક તરીકે જીવામૃત અને આચ્છાદન ગમે છે. જે ખેતરમાં દેશી અળસિયાં હોય છે એ જમીનમાં સોના જેવી મોલાત પાકે છે, એવો ખેડૂતોનો અનુભવ છે.

        રાસાયણિક ખાતરથી ખેતી વધવા લાગી એ પૂર્વે ખેત જમીનમાં ભરપૂર અળસિયાં રહેતાં, પરંતુ વર્ષોથી રાસાયણિક ખેતી થવા લાગતાં આ જીવ જમીનમાંથી લગભગ દૂર થઈ ગયો હતો. હકીકતે ખેત જમીનની ફળદ્રુપતાનો પાયો જ આ જીવંત ઈજનેર પર ટકેલો છે.

        અળસિયાં માત્ર એક જીવ નથી, પણ એક આખી ફેક્ટરી છે. એક અળસિયું પોતે ‘વન મેન આર્મી’ જેવું હોય છે. જ્યારે ખેડૂત જમીનમાં જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરે છે, ત્યારે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા અળસિયાં સક્રિય થાય છે.

        અળસિયાં જમીનમાં સતત ઉપર-નીચે અવરજવર કરે છે. તેઓ જમીનમાં છિદ્રો પાડે છે, જેના કારણે જમીનમાં હવાની અવરજવર વધે છે. જેનાથી છોડના મૂળને પૂરતો ઓક્સિજન મળે છે. જમીન પોચી અને નરમ બને છે, જેથી મૂળ ઊંડે સુધી જઈ શકે છે.

        જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, માટીના બે કણ વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા હવાની અવરજવર રહેવી જોઈએ. રાસાયણિક ખાતરથી જમીન પર ક્ષાર એકઠો થઈ જાય છે, જેના કારણે જમીનમાં ઊંડે પોષક તત્ત્વોના ભંડાર હોવા છતાં છોડ તેને લઈ શકતા નથી અને કેશાકર્ષણ શક્તિ કામ કરતી નથી. પ્રાકૃતિક ખેતીમાં અળસિયાંના કારણે માટીના બે કણો વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા હવાની અવરજવર થાય છે અને છોડને પોષણ મળે છે.

        આ સાથે જ જળ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. અળસિયાં દ્વારા બનાવેલી નળીઓ વરસાદના પાણીને જમીનમાં ઊંડે ઉતારવાનું કામ કરે છે. આ એક કુદરતી ‘રેઈન વોટર હાર્વેસ્ટિંગ’ છે. જે જમીનમાં અળસિયાં વધુ હોય, ત્યાં ભેજ સંગ્રહવાની ક્ષમતા અનેકગણી વધી જાય છે.

        અળસિયું જમીનમાંથી કચરો અને માટી ખાઈને જે ઉત્સર્ગ દ્રવ્ય બહાર કાઢે છે, તેને ‘વર્મીકાસ્ટ’ કહેવાય છે. આ કાસ્ટમાં સામાન્ય માટી કરતા પાંચ ગણો વધુ નાઈટ્રોજન, સાત ગણો વધુ ફોસ્ફરસ અને ૧૧ ગણો વધુ પોટાશ હોય છે. તેમાં છોડના વિકાસ માટે જરૂરી એવા સૂક્ષ્મ પોષકતત્ત્વો અને એન્ઝાઇમ્સ ભરપૂર માત્રામાં હોય છે.

        મહત્ત્વનું છે કે, અળસિયાં એવા શ્રમિક છે, જેને પગાર આપવો પડતો નથી, માત્ર તેને જીવવા માટે અનુકૂળ વાતાવરણ (ભેજ અને છાણ-કચરો) પૂરું પાડવાનું હોય છે. તે દિવસ-રાત જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ ચાલુ રાખે છે. એક અનુમાન મુજબ, પ્રાકૃતિક ખેતીથી વિકસિત એક એકર જમીનમાં ૮ થી ૧૦ લાખ અળસિયાં દિવસ-રાત શ્રમિકની જેમ કામ કરે છે. રાસાયણિક ખાતર જમીન બાળે છે, જ્યારે અળસિયાં જમીનને નવું જીવન આપે છે.

        દેશી અળસિયાંની વૃદ્ધિ કરવાની રીત: (૧) આચ્છાદન (Mulching): જમીનને પાકના અવશેષોથી ઢાંકી દેવી. અળસિયાંને અંધારું અને ભેજ ગમે છે, આચ્છાદન તેને સુરક્ષિત રાખે છે. (૨) જીવામૃતનો પ્રયોગ: જીવામૃત અળસિયાં માટે ‘એનર્જી ડ્રિંક’ જેવું કામ કરે છે. તેની ગંધથી અળસિયાં જમીનની સપાટી પર ખેંચાઈ આવે છે. (૩) રાસાયણિક મુક્તિ: જંતુનાશકો અને યુરિયાનો ત્યાગ કરવો, કારણ કે તે અળસિયાંના દુશ્મન છે.