ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ આર્થિક રીતે પરવડે તેમ ન હતો પરંતુ આયુષ્યમાન કાર્ડ વ્હારે આવતા સમસ્યા દૂર થઇ

રાજ્ય સરકાર માતા અને બાળકોના આરોગ્યની સતત ચિંતા સેવી રહી છે. અનેક યોજનાના માધ્યમથી ગુજરાત સરકારે માતાના ગર્ભધારણથી લઇને બાળકની પ્રસૂતિ સુધીની આરોગ્ય મદદ માટે યોજનાઓ અમલી કરી છે. ત્યારે આવી જ યોજનાના માધ્યમથી ભુજ તાલુકાના સુખપરના આરતીબેન વેકરીયાની જટીલ પ્રસૂતિ રાજ્ય સરકારની મદદથી સુખરૂપ તથા નિ:શુલ્ક થતા માતા અને બાળક બંનેને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું હતું.
આ અંગે આરતીબેન હિતેશ વેકરીયા જણાવે છે કે, ગર્ભધારણ દરમિયાન સમસ્યા સર્જાતા ખાનગી દવાખાનામાં ચેકઅપ કરાવતા ઓપરેશન કરીને પ્રસૂતિ કરવી પડશે તેવું ડોક્ટરે દ્વારા જણાવાયું હતું. ઓપરેશનનો ખર્ચ બહુ વધુ હોવાથી તેને કેવી રીતે પહોંચી વળાશે તેની ચિંતા ઉભી થઇ હતી. આર્થિક રીતે ખર્ચ પરવડે એમ ન હોતા પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. આ દરમિયાન આંગણવાડીના માધ્યમથી ગામના પીએચસી સેન્ટરમાં મુલાકાત લેતા ડોક્ટર દ્વારા રાજ્ય સરકારની યોજના અને મદદ અંગે માર્ગદર્શન આપવા સાથે તત્કાલ અસરથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યો હતું. જેના કારણે સમયસર મારી સુખરૂપ્ પ્રસૂતિ થઇ હતી. સ્વસ્થ બાળકના જન્મ સાથે હું પણ સંપૂર્ણ સ્વસ્થ છું. આ મદદ માટે ગુજરાત સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. હજુ પણ આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રના માધ્યમથી બાળકના આરોગ્ય માટે નિયમિત તપાસ, માર્ગદર્શન સાથે રસીકરણ સહિતની તમામ દરકાર કરવામાં આવી રહી છે. જે માટે મારો પરિવાર રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.