નીતિ આયોગના 'સ્ટેટ સપોર્ટ મિશન' અંતર્ગત અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, હાલોલના સંયુક્ત ઉપક્રમે કચ્છના મુખ્યમથક ભુજમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૨૮ ફેબ્રુઆરીથી ૧ માર્ચ, ૨૦૨૬ સુધી "પ્રાકૃતિક ખેતી માટે પડકારો અને તકો" વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનો ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને સંબોધન કરતાં પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી હવે સમયની અનિવાર્ય માંગ બની ગઈ છે. માનવ જીવનને સુરક્ષિત રાખવા અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓનો પડકાર કરવા પ્રાકૃતિક ખેતી અસરકારક વિકલ્પ છે. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો, ઝેરી દવાઓ વગેરેના ઉપયોગથી ખેતીની ફળદ્રુપ જમીન ઉજ્જડ બની ગઈ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટી રહ્યો છે, જેનાથી પાક ઉત્પાદન ઘટે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી માનવજાત દુ:ખી થઈ રહી છે.
રાજ્યપાલશ્રીએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં થઈ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮ લાખ ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને અનુસરીને જ પ્રાકૃતિક ખેતી કરવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેઓએ જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મલ્ટીક્રોપનું અનુસરણ કરવા જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ સ્વયં પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીમાં કોઈ જ પ્રકારના આર્થિક નુકશાનનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતનો ખર્ચ પણ ઓછો આવે છે. એક દેશી ગાયના પાલનથી જીવામૃત બનાવીને ખેતી કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાની ખેતી ગણાવી હતી.
રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે પ્રાકૃતિક ખેતી એ ભારતમાં વડાપ્રધાનશ્રીના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોના લીધે 'રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન' બની ગઈ છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ ધરતી માતા, ગૌમાતા, પર્યાવરણ અને જીવસૃષ્ટિને બચાવવાનું એક પવિત્ર ઈશ્વરીય કાર્ય છે. જો આપણે દેશમાં પ્રાકૃતિક ખેતી અપનાવીશું, તો વિદેશમાંથી યુરિયા-ડીએપી મંગાવવા પાછળ ખર્ચાતા લાખો કરોડો રૂપિયા બચશે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય પાછળ થતો મોટો તબીબી ખર્ચ પણ બચશે. સ્વસ્થ અને વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય, તો આપણે સૌએ પૂરી ઈમાનદારીથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જ પડશે તેમ રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ વર્કશોપના ઉદ્ઘાટન સત્રમાં અંગ્રેજી અને હિન્દી ભાષામાં 'ટ્રેનિંગ મેન્યુઅલ ઓન નેચરલ ફાર્મિંગ' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત સહિત ૯થી વધારે રાજ્યોના ૭૦૦થી વધુ ખેડૂતો સહભાગી બન્યા છે. વર્કશોપ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાયાની બાબતો, કૃષિ નવીનીકરણ, સર્ટિફિકેશન, માર્કેટિંગ, પેકેઝિંગ વગેરે બાબતોનું જ્ઞાન નિષ્ણાંતો દ્વારા પુરું પાડવામાં આવશે. દ્વિતિય દિવસે સહભાગીઓ માટે 'નેચરલ ફાર્મિંગ ડેમોન્સ્ટ્રેશન સાઇટ' ની ફિલ્ડ વિઝિટ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ આયોજિત કરવામાં આવ્યો છે.
વર્કશોપમાં અતિથિ વિશેષ તરીકે નીતિ આયોગના સભ્ય (કૃષિ) પ્રો. ડૉ. રમેશ ચંદ, નીતિ આયોગના પ્રોજેક્ટ ડીરેક્ટર ડૉ. નીલમ પટેલ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીમ્બડીયા અને ડીરેક્ટરશ્રી ડૉ. રશ્મિકાંત ગુર્જર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈચ ચાન્સેલરશ્રી ડૉ.વી.પી.ચોવટીયા, ડૉ. વાયએસ પરમાર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી ડૉ.રાજેશ્વર ચંદેલ, ગુજરાતના કૃષિ વિભાગના સંયુક્ત નિર્દેશકશ્રી નીતિન ગામિત, આત્માના પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી પી.કે.તલાટી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા સહિતના અધિકારીશ્રીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.