ઈરાન–ઇઝરાયલ યુદ્ધની અસર કચ્છના પોર્ટ પર દેખાશે

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધની અસર હવે વૈશ્વિક વેપાર સાથે કચ્છના મુખ્ય બંદરો સુધી પહોંચી છે. ખાસ કરીને મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ પરથી થતા આયાત-નિકાસ પર સીધી અસર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે અનેક શિપિંગ રૂટ ખોરવાઈ ગયા છે, જેના કારણે ટ્રાન્સપોર્ટર અને એક્સપોર્ટરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા કન્ટેનરો વિદેશ જતા માર્ગમાં અટકી ગયા છે અને સ્થિતિ લાંબી ચાલે તો મોટા આર્થિક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કન્ટેનર એસોસિએશનના મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે રોજિંદા મુન્દ્રા અને કંડલા બંદરોથી 3 હજારથી વધુ કન્ટેનરો વિદેશ મોકલાય છે. ખાસ કરીને ચોખા, ખાંડ અને અન્ય ખાદ્ય પદાર્થોની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. હાલ યુદ્ધના કારણે અનેક વેસલો અર્ધમાર્ગે રોકાઈ ગઈ છે, જેના કારણે શિપિંગ ચેન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ટ્રાન્સપોર્ટરોને મોટી આર્થિક નુકશાની વેઠવાનો વારો આવશે.. ગાંધીધામના ટ્રાન્સપોર્ટર દિનેશ ગુપ્તાએ જણાવ્યું કે કંડલામાંથી નિકાસ થતી ઓઈલ અને ક્રૂડ સંબંધિત વેસલો હાલ અટકાવી દેવામાં આવી છે. બીજી તરફ, ગલ્ફ દેશોમાંથી આવતી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત પણ પ્રભાવિત થઈ છે. આ કારણે આવનારા સમયમાં ઈંધણ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પર સીધી અસર થવાની શક્યતા છે. ઉપરાંત કંડલા અને મુન્દ્રા પરથી સિરામિક, ટાઇલ્સ અને ચોખાની નિકાસ ઉપર પણ ગંભીર અસર પડશે.
ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સના તેજાભાઈ કાનગડના જણાવ્યા મુજબ, કચ્છના આ બંને પોર્ટ પરથી દર મહિને 65 હજારથી વધુ કન્ટેનરોની નિકાસ થાય છે. હાલ ઈરાનથી આવતું ક્રૂડ ઓઈલ બંધ થતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે. ગલ્ફ રૂટથી જતી અનેક શિપ્સ અટકતાં આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતા વધી છે.
જો યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો કચ્છના પોર્ટ આધારિત વેપારને લાંબા ગાળે ગંભીર અસર પહોંચવાની શક્યતા વેપારી વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.