નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના  આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરાયું 

કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આજરોજ  ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના  આવાસોનું  નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. 

             આ પ્રસંગે  રાજ્યમંત્રીશ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દેશની આંતરિક અને સરહદી સુરક્ષા માટે કટિબદ્ધ છે. આજ કટિબદ્ધતા સાથે સરહદ પર ફરજ બજાવતા સેનાના જવાનો હોય કે પોલીસના જવાનો તેઓની સુખાકારી માટે તમામ પ્રકારના સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ પોલીસ જવાનોની સુખાકારી માટે ચિંતા કરીને કરોડોના ખર્ચે નવા આવાસોનું નિમાર્ણ કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારમાં સુવિધાસભર આવાસ બનતા  પોલીસ અને તેના પરિવારની સુખાકારીમાં વધારો થશે. 

          આ પ્રસંગે તેમણે નારાયણ સરોવર ખાતે મંદિરની મુલાકાત લઈને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ મુલાકાત સમયે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, આગેવાન શ્રી ગણપતભાઈ રાજગોર, નારાયણ સરોવર જાગીર અધ્યક્ષશ્રી સોનલ લાલજી મહારાજ, મરીન ડિવાયએસપીશ્રી બી.કે. ઝાલા, પી. આઈશ્રી કુનિયા સહિત આગેવાનશ્રીઓ તથા મરીન કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા.