નારાયણ સરોવર બંદર પર વાવાઝોડાના કારણે માછીમારોની આજીવિકા છીનવાઈ

હાલમાં જ નારાયણ સરોવર બંદર પર આવેલા કુદરતી તોફાન અને દરિયાઈ મોજાના કારણે સ્થાનિક માછીમારોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે. આ તોફાન એટલું પ્રચંડ હતું કે દરિયાકાંઠે લાંગરેલી બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે.
નારાયણ સરોવર ગ્રામ પંચાયતના સભ્ય યોગેન્દ્રસિહ રાણાએ મત્સ્યોઘોગ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે 5 થી વધુ બોટ સંપૂર્ણપણે નાશ પામી છે, જે હવે વપરાશ લાયક રહી નથી. ઉપરાંત 30 થી વધુ બોટોમાં અંદાજે 50% જેટલું ગંભીર નુકસાન થયું છે.
માછીમારીએ આ વિસ્તારના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન છે. બોટોને થયેલા આ નુકસાનના કારણે અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. માછીમારો પાસે આ નુકસાનની ભરપાઈ કરવા માટે પૂરતી આર્થિક મૂડી નથી, તેથી તેઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
મત્સ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે. અને જે માછીમારોની બોટ સંપૂર્ણ નાશ પામી છે, તેમને નવી બોટ માટે વિશેષ સહાય આપવામાં આવે તેમજ નુકસાન પામેલી બોટોના સમારકામ માટે યોગ્ય વળતરની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.