૨૧મી માર્ચ: વિશ્વ વન દિવસ વિશેષ : પર્યાવરણની માવજત સાથે વિકાસનો વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે કચ્છ

રોડરસ્તાનું બાંધકામ માળખાકિય વિકાસ માટે જરૂરી છે, પરંતુ આ જરૂરીયાત પુરી કરવા પર્યાવરણને આડકતરી રીતે ઘણું નુકશાન થતું હોય છે. આ નુકશાની અંગે જાગૃત બની તેની ભરપાઇ કરવાના સજાગ પ્રયત્નો કચ્છ જિલ્લા ખાતે હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હાઇવેના નિર્માણની સાથે રસ્તાની બન્ને બાજુ થઇ રહેલા વનોનું નિર્માણ છે.
વનનું નિર્માણ કુદરતી રીતે થયેલું હોય તેવી જ ધારણા દરેકના મનમા હોય છે, પરંતુ માનવીઓ દ્વારા પણ વનનું નિર્માણ શક્ય છે. આજના ઝડપી યુગમાં જ્યાં માનવીઓને દરેક વસ્તુ ઝડપથી થઇ જાય તેવી જોઇતી હોય છે ત્યારે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિ વનોના ઝડપી નિર્માણ માટે ભરોસાપાત્ર પધ્ધતિ છે. જેને ભારત દેશમાં જ નહિ સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહી છે.
વસુધૈવ કુટુંબકમની ભાવના તથા ભવિષ્યની તૈયારી સાથે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રી ભૂપ્રેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવી છે. આ હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગ દ્વારા ‘વનકવચ’ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વનકવચ પધ્ધતિથી વન ઉભા કરવામાં આવી રહ્યા છે. જે પર્યાવરણ, પશુ પક્ષીઓ અને વન્યસંપદા માટે ફાયદાકારક સાબીત થશે. જે પૈકી ૨૦૨૫-૨૬માં કચ્છમાં ૧૭ વન કવચ બનાવવામાં આવ્યા છે જે હેઠળ ૧,૯૦,૦૦૦૦ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તે જ રીતે વર્ષ ૨૦૨૪-૨૫માં ૯ વન કવચ નિમાર્ણ કરાયા હતા જેમાં ૧,૧૦,૦૦૦ રોપાનું વાવેતર તથા વર્ષ ૨૦૨૩-૨૪માં ૨ વન કવચનું નિમાર્ણ કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
શુ છે વનકવચ?
વનકવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં રહેલી પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે તથા આવી પડતર જમીનમાં ઝડપથી નાનું વન નિર્માણ કરવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના ૨ વર્ષ નિયમિત તેની સારસંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે.
આ પધ્ધતિમાં ત્રણ સ્તર મુજબ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. વનકવચ પધ્ધતિ હેઠળ સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેને લઇને જિલ્લામાં વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સ્થાનિક વૃક્ષોની પસંદગી વનકવચ માટે કરવામાં આવી છે. સાથે સાથે વનકવચમાં વૈવિધ્ય સભર જીવસૃષ્ટિ પણ પાંગરી રહી છે. આ વનકવચમાં અલગ અલગ પ્રકારના પતંગિયા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
વનકવચ પધ્ધતિના મુખ્ય સિદ્ધાંતો
જમીનમાં જરૂરી માટીકામ કરી જમીનની ફળદ્રુપતા વધારવી, જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ કરવો, યોગ્ય સમયે ઓછા અંતરે ત્રણ સ્તરમાં ગીચ વાવેતર કરવું, પરસ્પર આંતરસ્પર્ધાનાં કારણે વનસ્પતિની ઝડપી વૃદ્ધિ, વનકવચ માટે ફક્ત સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય, કુદરતી વનોની જેમ જ વાવેતર પરિપક્વ થઈ વિકાસ પામે તેવું આયોજન કરવું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
વનકવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ઠ વાવેતર કરી શરૂઆતના ૨ વર્ષ નિયમિત તેની સંભાળ લઈ પરિપક્વ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈપણ કાળજી વગર વિકાસ પામે છે.
૦૧ હેક્ટર વિસ્તારમાં ૧૦,૦૦૦ રોપાનું વાવેતર કરવામાં આવે છે જેમાં ઉચ્ચ સ્તરીય ધનતા વાળા રોપા ૨૫૦૦, મધ્યમ સ્તરીય ઘનતા વાળા રોપા ૨૫૦૦, નિમ્ન સ્તરીય ઘનતા વાળા રોપા ૫૦૦૦ રોપાનું વાવતર કરવામાં આવે છે. જેમાં ઉચ્ચ સ્તરીય વૃક્ષો માટે ૫૦*૫૦*૫૦ ના ખાડા અને મધ્યમ અને નિમ્ન સ્તરીય વૃક્ષો માટે ૩૦*૩૦*૩૦ સે.મી.ના ખાડા તૈયાર કરવામાં આવે છે.
સમતલ વિસ્તાર હોય તેવા સંજોગોમાં સામાન્ય રીતે ૫૦ સે.મી. માટી કાઢી નીચે મુજબના સાત સ્તર બનાવવામાં આવે છે.
વનકવચ માટે ત્રણ લેયરમાં રોપાનું વાવેતર કરવામાં આવે છે. ઉચ્ચ સ્તર, મધ્યમ અને નિમ્ન સ્તર. વન કવચમાં વૃક્ષારોપણ બાદ ૨ થી ૩ વર્ષ સુધી નિયમિત પાણી આપવાથી વૃક્ષોનો સમુહ એક નાનકડા વન રૂપે વિકાસ પામે છે.
વનકવચ પદ્ધતિના ફાયદા –
વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વન 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે. આ પ્રકારના વન પ્રદુષણને અટકાવે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આ પદ્ધતિમાં વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવેલ હોવાથી, વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ અટકે છે. આ વૃક્ષો એકબીજાને સીધા સૂર્યપ્રકાશથી પણ બચાવે છે. આવા વનોમાં જૈવ વિવિધતા વિકસે છે. બે વર્ષના ટુંકા ગાળામાં જ વિકાસ પામેલ વનકવચ જુદા-જુદા પ્રકારના પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન બની જાય છે અને જમીન જીવંત થઈ જાય છે. આ પદ્ધતિથી ઘરોની આસપાસની જગ્યાને નાના બગીચા અથવા વનમાં ફેરવી શકાય છે. જે શહેરો માટે ખૂબજ ફાયદાકારક પ્રવૃત્તિ તરીકે ગણી શકાય છે.
વનકવચ પદ્ધતિથી શહેરી વિસ્તારોમાં આવેલ મકાનોની આસપાસ તેમજ અન્ય નાની નાની જગ્યાઓમાં ઝડપથી કુદરતી વનો ઊભા કરવામાં આવે છે જે માનવ જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવે છે.
બોકસ
– ૧૭૬ બટાલીયન, બોર્ડર સિક્યુરીટી ફોર્સના કેમ્પસમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં ૧૦૦૦ સુશોભિત રોપા જેમાં ગરમાળો, ગુલમહોર, બોટલ બ્રશ, ક્રાઈઝેલીયા, લાર્જેસ્ટેનીયા, કાંચનારના રોપાનું વાવેતર કરેલ તેમજ અન્ય સ્થાનિક પ્રજાતિના ૧૦૦૦ રોપા જેમાં સિંદુર, અર્જુન સાદર, જાંબુ, નાળિયેર, લીમડાં,વાવેતર કરવામાં આવેલ છે.ઓપરેશન સિંદુરના ભાગરૂપે ૧૦૦ રોપાનું સિંદુર વનનું નિર્માણ કરવામાં આવેલ છે. આ વનની કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે પણ મુલાકાત લીધી હતી.
– કુરન ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે તા.૨૮.૦૬.૨૦૨૫ના રોજ વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવેલ પવિત્ર ઉપવન, પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર, અને હરીત વન પથ વાવેતરની મુલાકાત લેવામાં આવેલ હતી.
– જેમાં પવિત્ર ઉપવનમાં ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવેલ, બાળકો આ પવિત્ર વાતાવરણમાં પોતાનું બાળપણ આનંદ દાયક રીતે વિતાવી શકે તે માટે બાળ ક્રિડાંગણ તથા લોકોને બેસવા માટે બાંકડા બનાવવામાં આવેલ છે.
– રાજ્યના ગામોમાં વન સંપદાના સંરક્ષણ અને વિકાસ માટે સરકારશ્રીએ પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર મોડલ અમલમાં મુકેલ જે અન્વયે કુરન ખાતે ૧૦૦ રોપાનું વાવેતર કરવામાં આવેલ તેમજ હરીત વન પથ મોડેલમાં ૨૫૦ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે.
– સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ ૫૬૨ દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દરેક વિધાનસભા દીઠ “સરદાર સ્મૃતિવન “ની સ્થાપના કરેલ જેમાં ૫૬૨ રોપાનું વાવેતર કરવામાં આવેલ.
– કચ્છ જિલ્લામાં કુલ – ૦૭ સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેમાં ધોરડો ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.૦૪.૧૨.૨૦૨૫ના રોજ ૫૬૨ વૃક્ષોના વાવેતર સાથે ભારતના નક્શાના આકાર પામેલ ‘સરદાર સ્મૃતિ વન’નું લોકાર્પણ કરવામાં આવેલ.
નોંધનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોમાં કચ્છ જિલ્લા સહિત રાજ્યના વન વિસ્તાર બહારના વિસ્તારમાં સામાજિક વનીકરણ વાવેતર દ્વારા સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ વન વિસ્તાર વધારવા અને ટકાવી રાખવા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણથી લઇ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. વન, પૃથ્વીનું સાચું ધન છે ત્યારે વધતા જતા પ્રદૂષણ અને મોસમી ફેરફારો વચ્ચે આજે પૃથ્વી ધીરેધીરે ક્ષીણ થઇ રહી છે. જેને કઇ રીતે અટકાવવું એ મનોમંથન જરૂરી બની ગયું છે