કચ્છમાં કમોસમી વરસાદ અને પવનથી ભારે નુકસાન – તાત્કાલિક સહાયની માંગ

image-218

કચ્છ જિલ્લામાં તા. 18મી માર્ચની મધ્યરાત્રીએ આવેલ કમોસમી વરસાદ (માવઠા) અને ભયાનક પવનના કારણે સમગ્ર જિલ્લામાં વ્યાપક નુકસાન થયેલ હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હુસેન એ. રાયમાએ જણાવ્યું છે.
તેમના જણાવ્યા મુજબ અતિ પ્રચંડ પવન અને વરસાદના કારણે અનેક ગામોમાં ગરીબ પરિવારોના મકાનોના છાપરા ઉડી ગયા છે, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
ખાસ કરીને ખેડુતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેતરોમાં ઉભેલા ઘઉં, જીરૂ, એરંડા, રાયડો, વરીયાળી સહિતના પાકો તેમજ દાડમ, આંબા અને નાળિયેર જેવા બાગાયતી પાકોને ગંભીર અસર પહોંચી છે. અનેક વિસ્તારોમાં પાકો જમીનદોસ્ત થતા ખેડુતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
તે ઉપરાંત નારાયણ સરોવર સહિતના બંદરો પર માછીમારોને પણ નુકસાન થયું છે. બંદરો પર લાંગરવામાં આવેલી બોટોમાંથી કેટલીક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે, જ્યારે કેટલીક બોટોને આંશિક નુકસાન થયું છે, જેના કારણે માછીમારોના રોજગાર પર સીધી અસર પડી છે.
આ કુદરતી આફતના કારણે અનેક જગ્યાએ વીજપોલ, વૃક્ષો અને ટાવરો ધરાશાયી થયા છે તેમજ રસ્તાઓ અવરોધિત બન્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક અસરથી નુકસાનનું સર્વે કાર્ય હાથ ધરવા તેમજ મુખ્યમંત્રી રાહત ફંડ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ મારફતે ખેડુતો, માછીમારો અને અસરગ્રસ્ત ગરીબ પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.
બીજી બાજુ લખપત તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ તથા માતાનામઢ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાસમભાઈ કુંભારે લેખિત રજૂઆત કરી છે કે માતાનામઢ તેમજ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઉભેલા પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઘઉં, જીરૂ, એરંડા, કેરી, બાગાયતી પાકો તેમજ સંઘરાયેલો ઘાસચારો સંપૂર્ણપણે નષ્ટ થયો છે. ઉપરાંત મકાનોના પતરાં ઉડી જવાથી રહેણાંક નુકસાન પણ નોંધાયું છે. તેમણે તાત્કાલિક સર્વે હાથ ધરી વળતર ચૂકવવાની માંગ કરી છે.તાલુકા સદસ્ય પ્રતિનિધિ શ્રી અરભ જત દ્વારા પણ જણાવ્યું છે કે અનેક વિસ્તારોમાં પાકો નિષ્ફળ ગયા છે, જેથી તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી ખેડૂતોને ઝડપી વળતર આપવામાં આવે.