આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ’ માં કચ્છના ખગોળવિદોની પસંદગી

મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ડોંગલા ખાતે આગામી તારીખ ૩ થી ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાનાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ “Mahakala: The Master of Time” (મહાકાલ: કાલના સ્વામી) માં સહભાગી થવા માટે કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી અને જ્યોતિષવિદ શ્રી નરેન્દ્ર ગોર (સાગર) અને તેમના પુત્ર ખગોળવિદ નિશાંત ગોરની વિશેષ પસંદગી કરવામાં આવી છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ‘ઇન્ડિયન નોલેજ સિસ્ટમ’ (IKS), વિજ્ઞાન ભારતી અને મધ્યપ્રદેશ કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના મૂર્ધન્ય વૈજ્ઞાનિકો અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની પ્રાચીન કાલગણના અને ખગોળશાસ્ત્રીય પરંપરાને આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં વિશ્વ સમક્ષ પુનઃસ્થાપિત કરવાનો છે.

‘સ્ટારગેઝિંગ ઇન્ડિયા’ (Stargazing India) સંસ્થાના સ્થાપક અને છેલ્લા ૪૦ વર્ષથી આકાશ દર્શન તથા પંચાંગ ગણિતના પ્રચાર-પ્રસારમાં કાર્યરત નરેન્દ્ર ગોર અગાઉ પણ ભારતીય કેલેન્ડર સંદર્ભે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમની સાથે ખગોળ ક્ષેત્રમાં જ કાર્યરત તેમના પુત્ર નિશાંત ગોરની પણ પસંદગી થતા કચ્છના ખગોળપ્રેમીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

આ કોન્ફરન્સ દરમિયાન ઉજ્જૈન અને કર્કવૃત્ત પર સ્થિત ડોંગલાની વેધશાળા ખાતે વિવિધ ટેકનિકલ સત્રો યોજાશે, જેમાં પ્રાચીન ભારતીય સમય ગણતરી પદ્ધતિ, અવકાશ વિજ્ઞાન અને જ્યોતિષ ગણિત જેવા વિષયો પર ગહન ચર્ચાઓ થશે. કચ્છના આ પિતા-પુત્રની જોડી આ આંતરરાષ્ટ્રીય મંચ પર ખગોળ અને જ્યોતિષના સંગમ સમાન કચ્છની જ્ઞાન પરંપરાને રજૂ કરશે.