આર્ટેમિસ-2 મિશન હવે ચંદ્ર તરફ આગળ વધ્યું :પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ નીકળ્યા અંતરિક્ષયાત્રી
copy image

આર્ટેમિસ-2 મિશન હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી મહિતી અનુસાર અંતરિક્ષ તરફ છોડાયાના એક દિવસ બાદ ગત તા 3ના સવારે 5.19 કલાકે ઓરિયન કેપ્સ્યૂલે થ્રસ્ટર્સ ફાયર કર્યા હતા અને પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી હવે તે આવનારા ચાર દિવસ અંતરિક્ષમાં પ્રવાસ કરશે અને ત્યાં પહોંચશે જ્યાં આજ સુધીમાં ફક્ત 24 માનવ જ પહોંચી શક્યા છે. પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ ગતિ કરવા માટેના એન્જિન શરૂ કરવાની આ પ્રક્રિયાને `ટ્રાન્સલૂનાર ઈન્જેક્શન બર્ન’ કહેવામાં આવે છે. તે આશરે છ મિનિટ ચાલી હતી તેણે યાનની ગતિ વધારીને 22000 માઈલ પ્રતિ કલાક એટલે કે આશરે 34 હજાર કિ.મી. પ્રતિ કલાક કરી દીધી હતી. આર્ટેમિસ-2 હવે `ફ્રી-રિટર્ન ટ્રેજેક્ટરી’ પર છે એટલે કે આ યાન હવે ન્યૂટનના ગતિના પહેલા નિયમ `જે વસ્તુ ચાલી રહી છે તે ચાલતી રહેશે’ની જેમ સમગ્ર પ્રવાસ દરમ્યાન એન્જિનને ફક્ત નાના-મોટા સુધારા માટે જ ચાલુ કરાશે. આ માર્ગમાં જરા જેટલી ચૂક યાનને ચંદ્રથી ટકરાવી શકે છે અથવા તેને અનંત અંતરીક્ષમાં ભટકાવી શકે છે.