આજરોજ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ભુજ ખાતે પ્રદેશ મહામંત્રી રત્નાકરજી દ્વાર બાબાસાહેબની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

આજરોજ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ભુજ ખાતે પ્રદેશ મહામંત્રી રત્નાકરજી દ્વારા બાબાસાહેબની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કરાયાઅન્ય એક કાર્યક્રમના ભાગરૂપે કચ્છ કમલમ ખાતે જવાબદાર કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં રત્નાકરજીએ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યુંઆજરોજ બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે કચ્છ પધારેલા પ્રદેશ મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે બહુમાળી ભવન પાસે આવેલી બાબાસાહેબની પ્રતિમા પર રત્નાકરજી સહિત જિલ્લા ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ હારારોપણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે રત્નાકરજીએ સૌ ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું કે બાબા સાહેબની જીવંત અને બંધારણીય ચેતના આજે પણ ચોરે અને ચૌટે, ભારતના ખૂણે ખૂણે પ્રસરાયેલી છે અને એની સુવાસ થકી જ આજે એક મજબૂત ભારતનું નિર્માણ શક્ય બન્યું છે. બાબાસાહેબ એ સંવાદ, સમાધાન અને સમરસતાનો પર્યાય હતા. તેમની દુરંદેશી અને ક્રાંતિકારી અભિગમ થકી જ આજે ભારતમાં દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી ટકી રહી છે, આ શ્રેય જો કોઈને જાય તો તે નિઃસંદેહપણે બાબા સાહેબને ફાળે જાય છે. સમાજના પ્રત્યેક વર્ગોને એક સમાન અધિકારો આપીને પ્રગતિના આકાશમાં ઉડવા માટેની સમાન તકો અને પાંખો જો કોઈએ પ્રદાન કરી હોય તો તે ડો. આંબેડકરને આભારી છે.

આ અવસરે જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બાબાસાહેબે ભારતવર્ષને દશા અને દિશા આપવાનું કાર્ય બખૂબી કર્યું છે. તેમના સ્વપ્ન, તેમના વિચારો અને તેમના અભિગમ થકી જ આજે દેશમાં આંતરિક માળખું જળવાઈ રહ્યું છે. એમના પ્રયત્નોના પરિણામે જ આજે દેશના દરેક જણમાં સન્માન, સમભાવ અને સ્વતંત્રતાનો શ્વાસ અહર્નિશ ફૂંકાઈ રહ્યો છે.આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબનું સાચું સન્માન અને તેઓની યથાર્થ ગરિમા અને ગૌરવ મોદી સાહેબે જાળવ્યું છે. તેમના જીવનના અગ્રસ્થાને રહેલા પાંચેય સ્થાનોને પંચતીર્થ સમા ગણીને તમામ સ્થાનોને બેનમૂન રીતે વિકસાવવામાં આવ્યા છે જ્યારે સામાપક્ષે કોંગ્રેસે હંમેશા બાબા સાહેબના ચરિત્રને અન્યાય જ કર્યો છે.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ડો. આંબેડકરના જન્મ જયંતી નિમિતે આજે આખો દેશ તેમને નમન કરે છે ત્યારે આપણે સૌ પણ તેમના અમુલ્ય, અદભુત યોગદાનને વંદન કરીને આજીવન આપણા સ્મૃતિ, સંભારણામાં રાખીએ તેમજ પ્રત્યેક કાર્યકર બાબા સાહેબના જીવન કવન માંથી પ્રેરણા લઈને તેનું આચરણ અને અમલવારી કરે.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ડો. બી.આર.આંબેડકર દ્વારા ગઠિત બંધારણના મજબૂત પાયા થકી તેમજ સમાનતાના ક્રાંતિકારી વિચારો થકી દેશ આઝાદી પછી અખંડ બની ટકી રહ્યો છે જે બદલ રાષ્ટ્ર એમનો સદાય ઋણી રહેશે.

આ શ્રદ્ધા સુમન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી ધવલભાઇ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કરે કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા અધ્યક્ષ રવિભાઈ ગરવાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ મોરચાના મહામંત્રી પુરુષોત્તમભાઈ મારવાડાએ કરી હતી.

આ અગાઉ ડો. બાબાસાહેબ જન્મજયંતીની પૂર્વસંધ્યાએ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા અને ભુજ શહેર ભાજપ દ્વારા ટાઉનહોલ પાસે આવેલી તેમની પ્રતિમાને સ્વચ્છ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને  પ્રસંગની દૈદિપ્યતામાં વૃદ્ધિ કરવા અર્થે સાંજે તેમની પ્રતિમા સન્મુખ ખાસ દીપોત્સવ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ પ્રદેશ મહામંત્રી રત્નાકરજી કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પધાર્યા હતા જ્યાં તમામે તમામ 17 મંડલોના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ સહિતના ચાવીરૂપ કાર્યકર્તાઓ અને જિલ્લા ભાજપના અગ્રીમ પંક્તિના હોદ્દેદારો સાથે એક ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી. આ બેઠકમાં સર્વે ઉપસ્થિતોને માર્ગદર્શન આપતા રત્નાકરજીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ લોકતંત્રના પાયા સમાન ગણાય છે. દિનદયાલજીએ આપેલા અંત્યોદયના સિદ્ધાંતને અનુસરવા માટે અને છેક છેવાડાના માનવી સુધી પહોંચવા માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને શ્રેષ્ઠ અને સર્વોચ્ચ માધ્યમ ગણી શકાય. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે જ્યારે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રત્યેક કાર્યકર તેમની અંગત જવાબદારીની ગંભીરતા સમજીને તેમજ પક્ષે સૂચવેલ કામગીરીનું સંપૂર્ણપણે પાલન કરીને ગુજરાતમાં એક ઐતિહાસિક, અભૂતપૂર્વ પરિણામ લઈ આવવા માટે સક્ષમ સહભાગી બને એવી સૌને હાકલ કરી હતી. વિશેષમાં તેમણે પેજ સમિતિ અને બુથ સમિતિ પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા સૌને આહવાન કર્યું હતું. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે વિશ્વના સૌથી મોટી રાજકીય પક્ષ ભાજપમાં પોતાના કાર્યકરને વખતોવખત શ્રેષ્ઠ જવાબદારી આપવાની એક ઉજળી પરંપરા રહી છે ત્યારે આ ચૂંટણી માટે સૌએ પોતાનું સબળ યોગદાન પ્રદાન કરવું અનિવાર્ય બની રહે છે.

આ પ્રસંગે સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પણ તેમના પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા તેમજ જીલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય અને ભીમજીભાઈ જોધાણી, ચૂંટણી સંચાલન સમિતિ  જિલ્લા  ઇન્ચાર્જ વિકાશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા એવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.