બંને દેશને વચ્ચે ફરી વાતચીતની તૈયારી

copy image

copy image

ઇરાન-અમેરિકાની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ બંને દેશને ફરી વાતચીતની ટેબલ પર લાવવા માટે પાકિસ્તાન ઉચ્ચ સ્તરીય સંપર્કોમાં પ્રયાસ કરી રહ્યું છે અને બંને પક્ષ આવતા સપ્તાહે બીજા દોરની મંત્રણા માટે ઇસ્લામાબાદમાં ફરી મળી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઇરાન સાથે વાતચીત ફરી શરૂ થઇ શકે તેમ  છે. આ મંત્રણા આગામી બે દિવસમાં થઇ શકે છે. ટ્રમ્પના મતે, વાતચીતનો બીજો રાઉન્ડ પાકિસ્તાનમાં પણ યોજાઈ શકે. જિનિવા પણ વાટાઘાટના સ્થળ તરીકે ઊભર્યું છે. `આગામી બે દિવસમાં કંઇક પણ થઇ શકે છે. અમે ફરીથી ત્યાં જવા તૈયાર છીએ.’ અમેરિકા અને ઇરાન વચ્ચે અટકેલી વાતચીતને ફરી શરૂ કરવા માટે સંપર્કો ચાલુ છે આમ જણાવતા `ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારે ઉચ્ચ સ્તરીય સૂત્રોને ટાંકીને પ્રકાશિત અહેવાલમાં વધુમાં કહ્યું હતું કે, 21મી એપ્રિલે બે સપ્તાહની યુદ્ધવિરામની સમાપ્તિ પહેલાં ફરીથી મંત્રણા યોજાઇ શકે છે. વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શાહબાઝ શરીફ, નાયબ વડાપ્રધાન ઇશાક ડાર અને ફિલ્ડ માર્શલ આસીમ મુનીર બીજા દોરની મંત્રણા સુનિશ્ચિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જે સંભવત: અખાતી યુદ્ધનો અંત લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, બંને દેશોએ સપ્તાહના અંતમાં 47 વર્ષમાં પહેલી જ વખત સીધી વાતચીત કરી હતી. ચોક્કસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાટાઘાટનો આગામી દોર ગુરુવારે ઇસ્લામાબાદમાં યોજાય તેવી સંભાવના છે. જો કે, તે જ તારીખે વડાપ્રધાન શાહબાઝ શરીફ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયાની મુલાકાતે જવાના છે.