નખત્રાણા માં ભભૂકી આગ, ફાયર સુવિધાના અભાવે ઉઠ્યો રોષ

પશ્ચિમ કચ્છના નખત્રાણા શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મણીનગર વિસ્તારમાં, નગરપાલિકા કચેરીની સામે જ ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સૂકું ઘાસ હોવાથી આગે પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાસ્થળે કોઈ અગ્નિશામક દળ ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકોએ જ બહાદુરીપૂર્વક આગળ આવીને પાણી અને હાથવગા સાધનો વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યાને ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ અહીં ફાયર બ્રિગેડ જેવી મૂળભૂત સુવિધા ન હોવાના કારણે નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે આજે તો માત્ર ઘાસમાં આગ લાગી હતી, પરંતુ જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો નજીકના ભુજથી ફાયર બ્રિગેડ આવવામાં ઓછામાં ઓછા ૩૦ મિનિટનો સમય લાગે, જે ગંભીર પરિસ્થિતિમાં ખુબ જ મહત્વનો સમય ગણાય છે. સ્થાનિક નાગરિકોએ માંગ ઉઠાવી છે કે નગરપાલિકા હવે માત્ર વિકાસના કામોથી આગળ વધીને સુરક્ષા સુવિધાઓ પર પણ તાત્કાલિક ધ્યાન આપે. નખત્રાણા જેવી વધતી વસતી ધરાવતા શહેર માટે પોતાની ફાયર બ્રિગેડ સુવિધા હવે સમયની તાકીદ બની ગઈ છે. નગરજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર આ ઘટનામાંથી પાઠ લઇ તાત્કાલિક પગલાં ભરી નખત્રાણાને સ્વનિર્ભર બનાવશે.