વેપારી જહાજો માટે હોર્મુઝખૂલ્યું :ટ્રમ્પે કહ્યું “થેંક્યું”

copy image

યુદ્ધ પ્રેરિત ઊર્જા સંકટથી આખી દુનિયામાં ઉચાટ વચ્ચે બધા દેશોની ચિંતા હળવી કરતા સમાચારમાં શુક્રવારે ઇરાને તાણગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઘોષણા કરી હતી. તમામ વેપારી જહાજો માટે હોર્મુઝ ખોલવાનું ઇરાની એલાનનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વાગત કર્યું હતું. બીજી તરફ, ઈરાને એવી ચેતવણી પણ આપી હતી કે, તેનાં બંદરો પર અમેરિકા નાકાબંદી જારી રાખશે, તો તેને યુદ્ધવિરામ ભંગ માનીને હોર્મુઝ સ્ટ્રેટને ફરી બંધ પણ કરી શકે છે. સતત વિરોધાભાસી નિવેદનો કરતા રહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન વાતચીત માટે તૈયાર છે. એક-બે દિવસમાં સમજૂતી થઈ શકે છે.ઇરાનની હોર્મુઝ ખોલવાની ઘોષણા બાદ  તરત વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. ક્રૂડ તેલના ભાવ 11.2 ટકા ઘટીને 88.27 ડોલર પ્રતિ બેરલ થઇ ગયા છે. કાચાં તેલની કિંમત ઘટતાં ભારત સહિત દેશોની ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધવાનો ખતરો પણ ટળ્યો છે.ટ્રમ્પે ગુરુવારે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. ઇરાનની હકારાત્મક ઘોષણા વચ્ચે ધ્યાન ખેંચનારાં નિવેદનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ ખોલવા બદલ ઇરાનનો આભાર તો માન્યો હતો, પરંતું સાથે એવું સ્પષ્ટ કહી દીધું હતું કે, ઇરાનમાં અમેરિકી નૌકાદળની નાકાબંધી જારી રહેશે જે માત્ર ઇરાન પર લાગુ થશે. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો હતો કે, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરીવાર કદી પણ બંધ નહીં કરવા પર સહમતી બતાવી દીધી છે. હવેથી હોર્મુઝનો ઉપયોગ દુનિયાના દેશો વિરુદ્ધ હથિયાર તરીકે નહીં કરાય.