પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ ચૂંટણી પ્રચાર અર્થે કચ્છમાં બે દિવસના પ્રવાસે પધાર્યા હતા

સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓનો માહોલ અને તૈયારીઓનો ગરમાવો વ્યાપી ચૂક્યો છે ત્યારે પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા બે દિવસથી કચ્છના પ્રવાસે પધાર્યા હતા અને રાપર, ભુજ, અંજાર અને ગાંધીધામ સહિત વિવિધ મંડળોની મુલાકાત લઈને કાર્યકર્તાઓના જોશ અને ઉત્સાહમાં વધારે કર્યો હતો.

કચ્છ પ્રવાસના પ્રારંભે રાપર મંડલની મુલાકાત લઈને સમસ્ત રાપર તાલુકાના ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને વાગડની ધરતી પરથી કોંગ્રેસીઓને પડકાર ફેંક્યો હતો.

ત્યાર બાદ શનિવારે રાત્રે જ ભુજ ખાતે પધારીને ભુજ શહેરના વોર્ડ નં ૧૦ ના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આજ રોજ તા. ૧૯/૩/૨૬ ના રોજ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય, કચ્છ કમલમ ખાતે વિવિધ મંડલના પ્રભારી, સહપ્રભારી, વિવિધ મંડલના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તેમજ વિવિધ જિલ્લા પંચાયત બેઠકોના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સાથેની ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને વિચારોના આદાન-પ્રદાન હેતુની એક અગત્યની બેઠક યોજી હતી.

ત્યાર બાદ સાંજે અંજાર ખાતે શહેરભરના પ્રબુદ્ધ નાગરિકો સાથે પ્રદેશ મહામંત્રીશ્રીએ એક બેઠક યોજી હતી.

વિવિધ ઉદ્ઘાટન કાર્યક્રમો અને સભાઓને સંબોધતા શ્રી બ્રહ્મભટ્ટે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ વિષે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ૨૦૦૧ના ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અઘરું જણાતું હતું, તે કચ્છ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને નેતૃત્વ તેમજ કચ્છના નાગરિકોના અતૂટ પરિશ્રમને કારણે ધમધમતું થયું છે. કચ્છની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા જે કહે છે તે કરે છે અને તે જ કારણે તેમના પ્રતિ જનતાનો વિશ્વાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. મોદીજી ક્યારેય નાનું વિચારતા નથી, અને તેમની આ જ કાર્યશૈલીને લીધે આજે કચ્છના ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની કટિબદ્ધતા દર્શાવતા તેમણે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે, કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય અટકશે નહીં. આયુષ્માન કાર્ડ જેવી વિશ્વની સૌથી શ્રેષ્ઠ આરોગ્ય યોજના થકી ગરીબ અને મધ્યમ વર્ગને મફત સારવાર મળી રહી છે. કચ્છના પ્રવાસન ક્ષેત્રની સફળતાનો ઉલ્લેખ કરતા શ્રી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સફેદ રણ અને ધોરડોને ગ્લોબલ ટુરિઝમ મેપ પર સ્થાન અપાવી વડાપ્રધાનશ્રીએ સાબિત કર્યું છે કે દૂરંદેશી નેતૃત્વ કોને કહેવાય. જી-૨૦ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન પણ આ ભૂમિ પર થયું તે ગૌરવની વાત છે ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કચ્છી માડુઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને તમામ નગરપાલિકાઓમાં એક ભવ્ય, વિરાટ વિજયને પ્રાપ્ત કરશે એમાં સંદેહને જોજનો દુર પણ કોઈ જ સ્થાન નથી.

રાપર ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ ભચાઉના પૂર્વ નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ પ્રસંગિક ઉદબોધનો કર્યા હતા.

રાપર ખાતે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોર, જીલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની,  પક્ષના અગ્રણી અરજણભાઈ રબારી,  જિલ્લા પંચાયત પૂર્વ ઉપાધ્યક્ષ વણવીરભાઈ સોલંકી, મંડલ પ્રમુખ નસાભાઈ દૈયા અને મહામંત્રીઓ મહેન્દ્રસિંહ વાઘેલા તેમજ મહાદેવભાઇ પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ શહેરના વોર્ડ ૧૦ ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ફલજીભાઈ ચૌધરી, દેવજીભાઈ વરચંદ, કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રીશ્રીઓ ઉપરાંત જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, ચૂંટણી ઇન્ચાર્જ દેવરાજભાઈ ગઢવી, બાલકૃષ્ણ મોતા, મહિદીપસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપ મહામંત્રીઓ રિતેનભાઈ ગોર અને જીગરભાઈ શાહ સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

કચ્છ કમલમ ખાતેની સમીક્ષાત્મક બેઠકમાં પણ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી અને જિલ્લા અધ્યક્ષશ્રીએ વિષય અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું જેમાં મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિતના જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સૌ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અંજાર ખાતેની પ્રબુદ્ધ નાગરિક બેઠકમાં ફલજીભાઈ ચૌધરી, શ્રી વરચંદ તેમજ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ શહેર ભરના ઉપસ્થિત પ્રભુ નાગરિકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકોની પડખે અને લોકો માટે કામ કરતી માત્ર એક રાજકીય પરિપ્રેક્ષ્ય સાથે ચાલતી કોઈ પાર્ટી નહીં પરંતુ એક જીવંત વિચારધારા છે.

અંજાર ખાતેની બેઠકમાં મહામંત્રી ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપ ખજાનચી સુરેશભાઈ ટાંક, જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ વસંતભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ, અંજાર શહેર ભાજપ અધ્યક્ષ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રીઓ ક્રિપાલસિંહ ઝાલા, અશ્વિનભાઈ સોરઠીયા, કિશોરભાઈ ખટાઉ તેમજ અશ્વિનભાઈ પંડ્યા સહિતના કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવસાંતે ગાંધીધામ મહાનગરપાલિકાના ગળપાદર ગ્રામ્ય વિસ્તારના વોર્ડ નં ૪ તેમજ વોર્ડ નં ૨ અને વોર્ડ નં પ ના ઉદઘાટન પ્રસંગે શ્રી બ્રહ્મભટ્ટ ઉપરાંત દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના ત્રણેય મહામંત્રીઓ, મંડલ પ્રભારી ઉમેશભાઈ સોની, તેમજ મહાનગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ મોમાયાભાઈ ગઢવી, મધુકાંતભાઈ શાહ, બાબુભાઈ ગુજરીયા, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.