ભુજ-માંડવી હાઇવે પર દહીંસરા નજીક માર્ગ અકસ્માતમાં યુવકનું કરૂણ મોત

ભુજ-માંડવી હાઇવે પર દહીંસરા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દહીંસરા ગામ નજીકથી પસાર થઈ રહેલી બાઇક સાથે રસ્તા વચ્ચે અચાનક આવી ગયેલી ભેંસ અથડાતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બાઇકની જોરદાર ટક્કરને કારણે યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે ચકાસણી કરીને યુવકને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગેની જાણ થતાં જ માનકુવા પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. માનકુવા પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.