*ચૂંટણી પહેલા કચ્છ કોંગ્રેસ માટે પડ્યા પર પાટુ જેવો તાલ*

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છ કોંગ્રેસમાં વિદ્રોહ અને અસંતોષની આગ ઠરવાનું નામ નથી લેતી. કોંગ્રેસની દંભી અને દોગલી રાજનીતિથી ત્રસ્ત થઈને એક પછી એક અનેક જુના કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીની સેવા, વિકાસ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

એવા જ એક ઘટનાક્રમમાં આજ રોજ ભુજમાં વોર્ડ નંબર ૯ ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અનુમતિથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સેવાદળના મંત્રી અને કચ્છ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને પ્રવક્તા તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે એવા કોંગ્રેસી અને જૈન મહિલા અગ્રણી માનસી શાહ આજરોજ તેમની સાથેના અન્ય 30 જેટલા સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમની સાથે ભાજપમાં જોડાયેલ તૌસીફ મણીયાર પણ પ્રદેશ સેવાદળમાં કાર્યરત હતા.

ઉક્ત ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર સહિતના પાર્ટીના અગ્રણીઓના હસ્તે આ સર્વે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજથી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

આ ઉપરાંત અન્ય એક ધરખમ કોંગ્રેસી આગેવાન અને રાજગોર સમાજના અગ્રણી એવા જગદીશભાઈ ગોર પણ તેમના પત્ની અને કોંગ્રેસી નગરસેવક મંજુલાબેન ગોર અને અન્ય ૧૦૦ જેટલા સમર્થકોને સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા. શ્રી ગોરના પત્ની શ્રીમતી મંજુલાબેન જગદીશભાઈ ગોર ગત ટર્મમાં ભુજ નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવિકા તરીકે કાર્યરત હતા.

શ્રી ગોરની સાથે રાજગોર સમાજના અન્ય અગ્રણીઓ જેવા કે હસમુખ રાજગોર, હિતેશ રાજગોર, લાભશંકર ગોર, આકાશ ગોર, પંકજ માકાણી, વસુબેન બોડા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેવા કે અબ્દુલ કાસમ બજાણીયા, મિયાં મલુક સમા, આમદ તુગાજી સમા વગેરેએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા હવે સરાજાહેર છતી થઈ ચૂકી છે. આજે કોંગ્રેસ પક્ષના બે મહિલા અગ્રણીઓ માનસીબેન શાહ અને મંજુલાબેન ગોર સહિત અનેક અગ્રણીઓએ કોંગ્રેસના મહિલા વિરોધી વલણ અને કોંગ્રેસની ખંધી, ભ્રષ્ટ અને વેરઝેરની રાજનીતિથી નિરાશ થઇને કોંગ્રેસને કાયમી જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની ઝળહળતી વિકાસધારામાં શામેલ થયા છે.

ઉપરોક્ત તમામ કોંગ્રેસી અગ્રણીઓ આજથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે તન, મનથી કામે વળગી ગયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.