સમગ્ર કચ્છ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ તથા વિટામિન-એ પૂરક અભિયાનની ઉજવણીનો પ્રારંભ
માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ
મંત્રાલય તથા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ
તા. ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week-2026) તથા તા. ૧
ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિટામિન-એ પૂરક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની વિશ્વ સ્તનપાન
સપ્તાહની થીમ “Breastfeeding for a Sustainable Start in Life: Strengthen What Works” રાખવામાં આવી છે.
સમગ્ર કચ્છ જિલ્લામાં આ બંને મહત્વપૂર્ણ અભિયાન જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (CDHO) અને જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી (RCHO) ના સંકલન અને દેખરેખ હેઠળ
હાથ ધરવામાં આવશે.
આ અભિયાનમાં જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ICDS, તમામ તાલુકા આરોગ્ય કચેરીઓ, સામુદાયિક
આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલ, મહિલા હોસ્પિટલ, SNCU, NICU,
NRC, લેક્ટેશન મેનેજમેન્ટ સેન્ટર, RBSK ટીમો, આશા, ANM, CHO, MPHW, આંગણવાડી કાર્યકરો તેમજ અન્ય સંબંધિત
વિભાગોના સંકલિત પ્રયાસોથી સમગ્ર જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.
વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન જન્મ પછીના પ્રથમ એક કલાકમાં બાળકને માતાનું દૂધ પીવડાવવાનું મહત્વ, પ્રથમ છ મહિના સુધી
માત્ર માતાનું દૂધ જ આપવું, પાણી સહિત અન્ય કોઈપણ ખોરાક ન આપવો તથા છ મહિના પૂર્ણ થયા બાદ પૂરક આહારની શરૂઆત સાથે
બે વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવાના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા વિશેષ અભિયાન ચલાવવામાં
આવશે.
જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને તેમના પરિવારજનો માટે વિશેષ કાઉન્સેલિંગ સત્રો,
માતા મીટિંગ, પ્રશ્નોત્તરી કાર્યક્રમો, આરોગ્ય શિક્ષણ, પેનલ ચર્ચા, સ્તનપાન અંગેની સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ, બાળકને યોગ્ય રીતે
સ્તનપાન કરાવવાની પદ્ધતિ, કોલોસ્ટ્રમ (પ્રથમ પીળું દૂધ)નું મહત્વ, ઓછા વજનના તથા સમય પહેલાં જન્મેલા બાળકો માટે માતાના
દૂધના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
અભિયાન દરમિયાન આરોગ્ય સંસ્થાઓમાં ડિજિટલ બેનર, પોસ્ટર, IEC વિડિઓ, સોશિયલ મીડિયા અભિયાન, પ્રતિજ્ઞા દિવાલ
(Pledge Wall), જનજાગૃતિ રેલીઓ, આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો, માતા-પિતા સંવાદ, નર્સો અને આશા કાર્યકરોના સન્માન સહિત
વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. ખાનગી ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાતો માટે પણ સંવેદનશીલતા કાર્યક્રમો
યોજવામાં આવશે જેથી દરેક નવજાત બાળકને જીવનની શ્રેષ્ઠ શરૂઆત મળી શકે.
સમુદાય સ્તરે VHSND, નિયમિત રસીકરણ સત્રો, ઘર મુલાકાતો, ANC અને PNC મુલાકાતો દરમિયાન આશા અને આંગણવાડી
કાર્યકરો દ્વારા માતાઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને પ્રથમ વખત માતા બનેલી મહિલાઓ, સિઝેરિયન પ્રસૂતિ
થયેલી માતાઓ અને કામકાજી મહિલાઓને સ્તનપાન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. પરિવારના સભ્યો, ખાસ કરીને પિતા
અને વડીલોને પણ માતાને સહયોગ આપવા માટે પ્રેરિત કરવામાં આવશે.
વિશ્વ સ્તનપાન સપ્તાહની સાથે સમગ્ર જિલ્લામાં વિટામિન-એ પૂરક અભિયાન પણ હાથ ધરવામાં આવશે. આ અભિયાન હેઠળ ૯ થી
૧૨ મહિનાના બાળકોને ૧ મિ.લિ. (૧,૦૦,૦૦૦ IU) તથા ૧ થી ૫ વર્ષના બાળકોને ૨ મિ.લિ. (૨,૦૦,૦૦૦ IU) વિટામિન-એનો
ડોઝ આપવામાં આવશે. આ કામગીરી આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો દ્વારા રૂબરૂ કરવામાં આવશે તથા રસીકરણ સત્રો
અને VHSND દરમિયાન પણ બાળકોને વિટામિન-એ આપવામાં આવશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિટામિન-એ સીરપનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ તાલુકાઓમાં માઇક્રોપ્લાન
તૈયાર કરવામાં આવ્યા છે તથા આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપી મોનિટરિંગ અને સુપરવિઝનની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં
આવી છે. વિટામિન-એની બોટલોના યોગ્ય સંગ્રહ, સમયસર ઉપયોગ અને રેકોર્ડિંગ અંગે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
અભિયાન દરમિયાન જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા વિવિધ આરોગ્ય સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો અને રસીકરણ
સત્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા, સ્થાનિક અખબારો, ઇલેક્ટ્રોનિક મીડિયા તથા
અન્ય IEC માધ્યમો દ્વારા માતા અને બાળકના આરોગ્ય અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જિલ્લાના તમામ ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, વાલીઓ તથા નાગરિકોને અપીલ કરી છે કે
તેઓ વિશ્વ સ્તનપાન સપ્તાહ અને વિટામિન-એ પૂરક અભિયાનમાં સક્રિય સહભાગી બની માતા અને બાળકના આરોગ્ય માટે વૈજ્ઞાનિક
માર્ગદર્શન અપનાવે, બાળકોને સમયસર વિટામિન-એનો ડોઝ અપાવે અને જન્મથી જ બાળકને યોગ્ય પોષણ મળે તે માટે સ્તનપાનને
પ્રાથમિકતા આપે.
“સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક – સ્વસ્થ પરિવાર – સ્વસ્થ કચ્છ”ના સંકલ્પ સાથે સમગ્ર જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અને
વિટામિન-એ પૂરક અભિયાનને સફળ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગે તમામ નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.