“નારી વંદન સપ્તાહ” અંતર્ગત કચ્છ જિલ્લામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો

1 (27)

કચ્છ જિલ્લામાં તા. ૦૧ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરાશે. કચ્છ જિલ્લામાં
મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક તથા શારીરિક રીતે સશક્ત બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુસર
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૦૮/૦૮/૨૦૨૬ દરમિયાન “નારી વંદન
સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણીના સુચારૂ આયોજન અને અસરકારક અમલીકરણ અર્થે કચ્છ કલેક્ટરશ્રી અનીલ રાણાવસીયા
સરના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહિલા અને બાળ
વિકાસ વિભાગ દ્વારા તા. ૦૧ ઓગસ્ટથી તા. ૦૮ ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવનાર “નારી વંદન સપ્તાહ”
અંતર્ગત દરરોજ યોજાનારા વિવિધ થીમ આધારિત કાર્યક્રમોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત
જિલ્લાના સંબંધિત અધિકારીઓને આયોજનની આખરી રૂપરેખા તૈયાર કરી વિશેષ નવીન કાર્યક્રમો અંગે સૂચન
કરવામાં આવ્યા હતા. “નારી વંદન સપ્તાહ” દરમિયાન તા. ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ મહિલા સુરક્ષા દિવસ: અંતર્ગત
મહિલા સુરક્ષા રેલી, સેલ્ફ ડિફેન્સ, સાયબર સિક્યુરિટી અને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર
યોજાશે. તા. ૦૩/૦૮/૨૦૨૬ ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ દિવસ: નિમિત્તે કિશોરીઓ, શાળાના બાળકો અને
વાલીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિષય પર સંવાદ, પોક્સો એક્ટ જાગૃતિ, ગુડ ટચ-બેડ ટચ તથા પોક્સો એક્ટ અંગે
માહિતી, દીકરી વધામણા કીટ તથા વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરાશે. મહિલા સ્વાવલંબન
દિવસ નિમિત્તે તા. ૦૪/૦૮/૨૦૨૬ ના રોજ: મહિલાઓ માટે સ્વરોજગાર મેળાઓ, સખી મંડળો અને મહિલા સહકારી
મંડળીઓનું સંકલન, મહિલાલક્ષી યોજનાઓની માહિતી, શ્રમજીવી મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ સેમિનાર અને
જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવશે. તા. ૦૫/૦૮/૨૦૨૬ ના રોજ મહિલા નેતૃત્વ
દિવસની ઉજવણીમાં: બાલિકા પંચાયતના સરપંચશ્રીઓ અને સભ્યો સાથે સંવાદ, વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર
મહિલાઓનું જિલ્લા કક્ષાએ વિશિષ્ટ સન્માન કરાશે. તા. ૦૬/૦૮/૨૦૨૬ મહિલા કર્મયોગી દિવસ ના રોજ: સરકારી
અને બિનસરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓ માટે “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી
અધિનિયમ-૨૦૧૩” અંગે જાગૃતિ સેમિનાર, વર્ક-લાઇફ બેલેન્સ, માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક ફરિયાદ સમિતિના
સભ્યો સાથે કાર્યશાળા યોજાશે. તા. ૦૭/૦૮/૨૦૨૬ ના રોજ મહિલા કલ્યાણ દિવસ: ના રોજ કન્યા શિક્ષણને
પ્રોત્સાહિત કરતી યોજનાઓ, મહિલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો અંગે માર્ગદર્શન, વિવિધ હેલ્પલાઇન નંબરની કામગીરીનું
ડેમોન્સ્ટ્રેશન અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓનું જાહેર સન્માન કરવામાં આવશે. તા.
૦૮/૦૮/૨૦૨૬ ના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસ: અંતર્ગત જિલ્લામાં કિશોરી મેળાઓ, સ્ત્રી રોગ નિદાન
કેમ્પ, પોષણક્ષમ વાનગી નિદર્શન અને મહિલાઓ માટે યોગ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવશે. તદઉપરાંત
કચ્છ જિલ્લાની નવતર પહેલ શક્તિલીડરશીપ, દીકરી જન્મોત્સવ, સ્વરોજગાર મેળો, યુવા સંવાદ, મહિલા અધિકારી
કર્મચારીઓના હેલ્થ ચેકઅપ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરશ્રી, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ
વિભાગ, આરોગ્ય વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, આઈ.સી.ડી.એસ વિભાગ, કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ,
બાળ સુરક્ષા એકમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા જિલ્લા લીડ બેંકના પ્રતિનિધિ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.