ભુજમાં નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીનો ભોગ બનેલા નાગરિકોએ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન

ભુજમાં નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીનો ભોગ બનેલા નાગરિકોએ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભુજના ઘાસચાર માર્કેટ પાસે આવેલા ગંદા પાણીના નાળાની સફાઈ ન થતા સ્થાનિક આગેવાનોએ ગંદા પાણીમાં ઉતરીને નાળાની યોગ્ય સફાઈની માંગ કરી હતી. સ્થાનીક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ નાળું છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યાનું એપિસેન્ટર બની ગયું છે. મુગા અને અબોલ પશુઓ ઘૂંટણસમા ગંદા પાણીમાં દરરોજ ઊભા રહેવા મજબૂર છે. આજુબાજુના વેપારીઓ, હનુમાન મંદિર દર્શનાર્થે આવતા ભક્તો તેમજ બહારથી આવતા પ્રવાસીઓ પણ આ ગંદકીથી ત્રસ્ત છે. વિદેશી સહેલાણીઓ પણ આ નાળામાં ઊભેલી ગાયોના ફોટા પાડીને જાય છે, જે ભુજ શહેરની છબીને ખરાબ કરે છે. પ્રી-મોન્સૂન કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીઓને આ બાબતે અગાઉ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ માત્ર સંતોષકારક ખાતરીઓ સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જો કે આ બાબતે પાલિકાના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે નાળાની સફાઈ કરી દેવામાં આવી હતી. પરંતુ હાલમાં જે વરસાદ થયો તેના કારણે ફરી ગંધકી ફેલાઈ છે. તેની સફાઈ કરી દેવામાં આવશે.