સીઝફાયર ની મંત્રણાઓ વચ્ચે અમેરિકી નૌકાદળે હિંદ મહાસાગરમાં ઈરાન સાથે જોડાયેલા એક વિશાળ તેલ ટેન્કર ‘M/T Tifani’ને પોતાના કબજે કર્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રમાં ચાલી રહેલી ખેંચતાણ હવે ગંભીર વળાંક લઈ રહી છે. સીઝફાયર ની મંત્રણાઓ વચ્ચે અમેરિકી નૌકાદળે હિંદ મહાસાગરમાં ઈરાન સાથે જોડાયેલા એક વિશાળ તેલ ટેન્કર ‘M/T Tifani’ પર હલ્લા બોલી તેને પોતાના કબજે કરી લીધું છે. આ કાર્યવાહીથી ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે.અમેરિકી સંરક્ષણ વિભાગ ના બતાવ્યા મુજબ, આ ઓપરેશન ઇન્ડો-પેસિફિક કમાન્ડ ના વિસ્તારમાં હાથ ધરાયું હતું. ‘M/T Tifani’ નામનું આ જહાજ બોત્સ્વાનાના ઝંડા હેઠળ ચાલી રહ્યું હતું અને તે બંગાળની ખાડીમાં ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના વિસ્તારમાં પકડાયું છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, તેનું છેલ્લું લોકેશન શ્રીલંકા અને મલક્કા સ્ટ્રેટ વચ્ચે મળ્યું હતું અને તે સિંગાપોર તરફ જઈ રહ્યું હોવાનું મનાય છે.અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે આ તેલ ટેન્કર પર અગાઉથી પ્રતિબંધો લાદવામાં આવેલા હતા અને તે ગેરકાયદેસર રીતે ઈરાની તેલની તસ્કરીમાં સામેલ હતું. અમેરિકાએ “રાઈટ ઓફ વિઝિટ હેઠળ જહાજને અટકાવ્યું, તેની તપાસ કરી અને કોઈ પણ પ્રકારની હિંસા કે અથડામણ વગર તેને કબજે કર્યું હતું. પેન્ટાગને કહ્યું કે, તે આવા નેટવર્કને તોડવા માટે વિશ્વના કોઈ પણ ખૂણે કાર્યવાહી ચાલુ રાખશે.વધુમાં અમેરિકી સેના નક્કી કરશે કે આ જપ્ત કરાયેલા તેલ ટેન્કરને અમેરિકા લઈ જવામાં આવે અથવા તો અન્ય કોઈ દેશને સોંપવામાં આવે. હાલમાં આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પણ અસર જોવા મળી શકે છે.