ભુજમાં સાક્ષી ખાનીયા હત્યા કેસમાં બે શખ્સોને આજીવન કેદની સજા ફટકારતો સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો

૨૮ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ કોલેજના ગેટ પાસે ખેલાયો હતો લોહિયાળ ખેલ : ભુજની સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચૂકાદો: સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો કરી.ભુજમાં સાક્ષી ખાનીયા હત્યા કેસમાં બે શખ્સોને આજીવન કેદની સજા ફટકારતો ચૂકાદો ભુજની સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે. ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિની પર ગત ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ છરી વડે હુમલો થયો હતો. જેમાં યુવકે વિદ્યાર્થિનીનું ગળુ કાપી હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે ભુજ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી અને મદદગાર યુવકોને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ચુકાદો જિલ્લા અદાલતના જજ ડી.પી. મહિડાએ આપ્યો છે. મળતી માહિતી મુજબ, ગાંધીધામના ભારતનગરની રહેવાસી ૧૯ વર્ષીય સાક્ષી ખાનીયા સંસ્કાર કોલેજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભુજની ભાનુશાલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. ઘટનાના દિવસે મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા નામના યુવકે સાક્ષીના ગળાના ભાગે છરીના ઘા મારતા તેનું મોત નીપજ્યું હતું..

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભુજમાં અભ્યાસ અર્થે મૃતક સાક્ષી આવતા મોહિત તેને ગાંધીધામ આવવા દબાણ કરતો હતો. આ દરમિયાન મોહિત સાક્ષીના માતા-પિતાને જાણ કરવાની ધમકી આપતો, વારંવાર ફોન કોલ કરતો હતો જેથી સાક્ષીએ તેને બ્લોક કર્યો હતો. મોહિતની ધમકી અને દબાણ અંગે ઘટનાના દિવસે સાક્ષીએ તેની માતાને જાણ કરી હતી. ઘટનાના દિવસે ઉશ્કેરાયેલા મોહિતે તેના અંજારના મેઘપર બોરીચીના જયેશ ઠાકોર નામના મિત્રને લઈને સાક્ષીની કોલેજ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ અંજારમાં છરી લીધી હતી. કોલેજ બહાર મોહિતે સાક્ષીના ગળાના ભાગે છરી ફેરવી દીધી હતી. આ પછી ગંભીર હાલતમાં સાક્ષીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. હત્યાના ગુનાની ગંભીરતાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મોહિત અને જયેશની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે ભુજ પ્રિન્સીપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા આજીવન કેદની સજાની સાથે ૨૫-૨૫ હજારનો દંડ ફટકાર્યો છે