ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર
copy image

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ ગયા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ સંધિ બાદ હવે ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલાતા ચામડાંના સામાન, કાપડ, પ્લાસ્ટિક અને ઈજનેરી વસ્તુઓ પર કોઈ નિકાસ ડયૂટી નહીં લાગે. આમ થવાથી શ્રમ પ્રધાન ક્ષેત્રોને સીધો લાભ થશે. આ કરાર ભારતીય અર્થવ્યવસ્થા અને નિકાસકારો માટે વૈશ્વિક બજારમાં એક મોટી કૂટનીતિક તેમજ આર્થિક જીત મનાય છે. મુક્ત વેપાર કરારની સૌથી ખાસ વાત એ છે કે, 16 માર્ચ, 2025ના શરૂ થયેલી વાચચીત વિક્રમી નવ મહિનામાં જ પૂરી કરી લેવાઈ હતી. આ સમજૂતી લાગુ થતાં જ ભારતને તમામ ટેરિફ ઉત્પાદનો પર રાહતરૂપે ન્યૂઝીલેન્ડને થનારી 100 ટકા નિકાસ ટેરિફમુકત રહેશે. અત્યારે ન્યૂઝીલેન્ડ દ્વારા ભારતથી નિકાસ કરાતાં લગભગ 450 ઉત્પાદન પર 10 ટકાની ડયૂટી લગાડાય છે, જે ખતમ થઈ જશે. બીજી તરફ આ છૂટના બદલામાં ભારતે પણ ન્યૂઝીલેન્ડથી આવતા 95 ટકા સામાનો પર ટેરિફમાં છૂટ આપી છે અથવા ઘટાડી દીધો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આ કરારને એક પેઢીમાં એકવાર થતી સમજૂતી લેખાવ્યો હતો, તો ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સંધિને બન્ને દેશના આર્થિક સંબંધમાં નવા અધ્યાયની શરૂઆત કરી હતી. મુક્ત વેપાર કરાર હેઠળ ન્યૂઝીલેન્ડ આવનારાં 15 વર્ષ દરમ્યાન ભારતમાં 20 અબજ ડોલર એટલે કે, લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ખાસ કરીને બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણો કરવા અને ભારતમાં મોટાં વિદેશી રોકાણો આકર્ષવાના મુખ્ય હેતુઓ સાથે આ કરાર કરાવ્યો છે.