રાપરમાં મનોદિવ્યાંગ કિશોરી પર દુષ્કર્મ ગુજારનારાને 20 વર્ષની સખત કેદ

copy image

copy image

રાપર શહેરમાં માનવતાને શરમાવે તેવા બનાવમાં ન્યાયપાલિકાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. એક મનોદિવ્યાંગ સગીરાને બાવળની ઝાડીમાં લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારનારા આરોપીને ન્યાયાલયે 20 વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. સતાવાર મળતી માહિતી અનુસાર રાપર નગરમાં આ વર્ષની પહેલી તારીખે આ બનાવ બન્યો હતો. કિશોરીના માતા-પિતા મજૂરીએ ગયા ત્યારે બહેન અને નાનો ભાઇ ઘરે એકલા હતા. દરમ્યાન શિવા મોહન ખેતા કોળી નામના ઇસમે મનોદિવ્યાંગ બાળકીને લલચાવી, ફોસલાવી પેટ્રોલપંપ પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં લઇ ગયો હતો, જ્યાં તેણે કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો . ભોગ બનનારના માતા-પિતા સાંજે ઘરે આવતાં બાળકી ક્યાંય ન મળતાં તેની શોધખોળ કરાઇ હતી. બાદમાં બાવળની ઝાડીમાંથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. શિવો ઘરની આસપાસ આંટા મારતો હોવાનું અને તે બહેનને લઇ ગયો હોવાનું નાના ભાઇએ જણાવ્યું હતું. દરમ્યાન કણસતી બાળકીને સારવાર અર્થે ખસેડાઇ હતી. તા. 1/1ના બનેલા આ બનાવ અંગે પોલીસે તા. 6/1ના ગુનો નોંધી પૂરતા પુરાવાનાં પગલે આરોપી શિવા પારકરાને પકડી પાડયો હતો અને તમામ પુરાવા એકત્ર કરી તેની સામે ભચાઉની પોક્સો વિશેષ ન્યાયાધીશની કોર્ટમાં તા. 18/1ના ચાર્જશીટ રજૂ કરાઇ હતી. ચાર્જશીટના 99 દિવસમાં ન્યાયાલયે 17 મૌખિક નિવેદન અને 34 જેટલા જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ ચકાસ્યા હતા અને સરકારી વકીલની ધારદાર રજૂઆતોને ગ્રાહ્ય રાખી આ શખ્સ શિવા કોળીને તકસીરવાન ઠરાવ્યો હતો. બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ 2012ની જુદી જુદી કલમો તથા ડોડી લઇ જવાની એમ કુલ 20 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો ન્યાયાધીશ દ્વારા આપવામાં આવ્યો હતો તેમજ કુલ રૂા. 16,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધુ સાદી કેદનો હુકમ કરાયો હતો.