લંડન ખાતેના ટીટી વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં હરમિત, માનુષ અને માનવનો સમાવેશ

ગાંધીધામ, 28 એપ્રિલઃ લંડનના ઓવો એરેના વેમ્બલી ખાતે 28 એપ્રિલથી દસમી મે દરમિયાન યોજાનારી આઇટીટીએફ વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ 2026માં ભાગ લેનારી ભારતીય મેન્સ ટીમમાં ગુજરાતના હરમિત દેસાઈ, માનુષ શાહ અને માનવ ઠક્કરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલી વાર નથી જ્યારે ગુજરાતના આ ત્રણ ખેલાડી આ પ્રકારની પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય. અગાઇ તેમણે 2022માં ચેંગડુ ખાતે યોજાયેલી 56મી વર્લ્ડ ટીટી ટીમ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ માટે ભાગ લીધો હતો અને બુસાન ખાતેની આવૃત્તિમાં પણ તેઓ ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યા હતા.
સુરતના હરમિત (32 વર્ષ), માનવ (26) અને માનુષ શાહ (25) સિવાય આ વખતે લંડનમાં રમનારી ભારતીય ટીમમાં જી. સાથિયાન અને પાયસ જૈનને પણ સામેલ કરાયા છે.
ગ્રૂપ 7માં રમનારી ભારતીય ટીમ 38મો વિશ્વ ક્રમાંક ધરાવતા માનવ પર આધારિત રહેશે જે ભારતનું આક્રમણ સંભાળશે. તેને જી. સાથિયાન (વિશ્વમાં 42મો ક્રમ), માનુષ (વિશ્વમાં 51મો ક્રમ), હરમિત (વિશ્વમાં 80મો ક્રમ) અને પાયસ (વિશ્વમાં 127મો ક્રમ)નો મજબૂત સપોર્ટ રહેશે. સ્વોવેકિયા સામેના પ્રથમ મુકાબલામાં ભારત મજબૂત ફેવરિટ તરીકે પ્રારંભ કરશે. ત્યાર બાદ તેને ગ્રૂપ મુકાબલામાં ટ્યુનિશિયા અને ગુટેમાલા સામે રમવાનું છે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ આ ટીમ અંગે જંગી આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. “હરમિત, માનુષ અને માનવ બહોળો અનુભવ ધરાવે છે અને વર્ષોથી ટોચના ઇન્ટરનેશનલ ખેલાડીઓ સામે રમવાનો તેમને સારો અનુભવ છે. અમને આશા છે કે આ વખતે દેશ માટે આ ટીમ બહેતર પ્રદર્શન કરશે.” તેમ શ્રી ચોધરીએ ઉમેર્યું હતું.