પાલારા જેલમાંથી ફરી એક વખત સીમ સાથે મોબાઈલ તેમજ એક હજાર રૂપિયા મળ્યા
copy image

પાલારા જેલમાં છુપાવીને રાખેલો મોબાઇલ સિમ સાથે તેમજ રોકડા રૂા. એક હજાર પણ ઝડતી સ્ક્વોડને મળ્યાનો ફરી એક બનાવ સામે આવ્યો છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અમદવાદની ઝડતી સ્ક્વોડના જેલર દેવશી રણમલભાઇ કરંગિયાએ ગઇકાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની ઝડતી સ્ક્વોડે પાલારા જેલમાં તા. 27-4ના છાનબીન કરતાં જેલની અંદર સર્કલ-2ની બેરક નં. 10ની બહાર આવેલા સંડાસ-બાથરૂમના બીજા નંબરના બાથરૂમના પ્લાયવૂડના પોલાણમાંથી એક એન્ડ્રોઇડ મોબાઇલ સિમ સાથે તેમજ રૂા. 1000 મળી આવ્યા હતા. આમ કોઇ અજાણ્યા આરોપીએ જેલમાં પ્રતિબંધિત મોબાઇલ રાખી ગુનો કર્યા બાબત ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે, જેલમાં પ્રતિબંધિત મોબાઇલ આ રીતે છુપાવ્યાના અનેક બનાવો સામે આવ્યા બાદ પણ તેના મૂળ સુધી પહોંચી શકાયું નથી. આ બનાવમાં તો રોકડા રૂા. એક હજાર પણ મળ્યાનું સામે આવ્યું છે, જે ખરેખર ચોંકાવનારી બાબત છે.