ભારતને મળી શકે છે આટલા અબજો ડોલર !
copy image

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ ઝિંકીને અઢળક નાણાં મેળવી લીધા હતા, જોકે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરીને ટેરિફ પરત આપી દેવાનો આદેશ કર્યા બાદ હવે રિફંડ કરવાની પ્રક્રિયા આગળ વધી છે. આ પ્રક્રિયા મુજબ હવે ટુંક સમયમાં ભારત સહિતના દેશોના આયાતકારોને રિફંડ મળી જશે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં ટેરિફ રિફંડ મામલે અરજી દાખલ કરાઈ હતી, જેમાં કોર્ટના આદેશ મુજબ, પ્રથમ હપ્તાની ચુકવણી લગભગ 11 મેથી શરૂ થઈ શકે છે. રિફંડ પ્રક્રિયાની દેખરેખ રાખી રહેલા જસ્ટિસ રિચર્ડ ઈટને જણાવ્યું કે, આયાતકારોએ ટેરિફના નાણાં પરત મેળવવાની અરજીઓ કર્યા બાદ, રિફંડની CAPE સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 21 ટકા ઉત્પાદનોને એપ્રૂવલ આપ્યા બાદ ટેરિફ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. તેમાંથી ત્રણ ટકા ઉત્પાદનોમાં સેટલમેન્ટ પણ થઈ ગયું છે અને હવે નાણાં પરત આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.જો ભારતની વાત કરીએ તો અંદાજ અનુસાર , ભારતીય નિકાસકારોને રિફંડ પેટે 10થી 12 અબજ ડૉલર સુધીનો ફાયદો થઈ શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, અમેરિકન કોર્ટે ટેરિફ રદ કરવાનો આદેશ આપ્યા બાદ અમેરિકા દ્વારા 166 અબજ ડૉલરનો ટેરિફ પરત ચૂકવવાનો રસ્તો ખુલી ગયો છે. જોકે રિફંડ સીધું ભારતીય નિકાસકારોના બેંક ખાતામાં નહીં આવે. નિયમો મુજબ, માત્ર અમેરિકન આયાતકારો જ રિફંડ ક્લેમ કરી શકે છે. ભારતીય નિકાસકારોએ જે અમેરિકન કંપનીઓ સાથે વેપાર કર્યો છે, તેમની સાથે રિફંડ માટે વાતચીત કરવી પડશે. જ્યારે આયાતકાર અને નિકાસકાર વચ્ચે રિફંડની પરસ્પર વહેંચણી માટે સહેમત થશે, ત્યાર પછી ભારતીય નિકાસકારના એકાઉન્ટમાં પૈસા આવી શકશે.