ભીરંડિયારાના સીમ વિસ્તારમાં ગૌવંશના માંસ સહિત કુલ રૂા. 11,500ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો
ભુજ તાલુકાના ભીરંડિયારાના સીમ વિસ્તારમાં ગૌવંશના માંસ સહિત કુલ રૂા. 11,500ના મુદ્દામાલ સાથે એક ઈસમને ધોરડો પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભીરંડિયારા-જુણા ત્રણ રસ્તાથી રેઢારવાંઢના સીમ વિસ્તારમાં બાવળોની ઝાડીમાં ગૌવંશના માંસ સાથે અમુક ઈસમો દેખાયા હતા અને પોલીસને જોઈ નાસવાનો પ્રયાસ કરતાં એક આરોપી ઝડપાયો હતો, જ્યારે ત્રણ નાસી છૂટયા હતા. પોલીસે 12 કિલો માંસનો જથ્થો, કુહાડી, છરા, રસ્સી, એક મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂા. 11,500નો મુદ્દામાલ કબજે કર્યા હતા અને આરોપીઓ સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.