ડોક્ટર દ્વારા સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ અનુસરવામાં આવી હોય તેવા કિસ્સામાં તબીબી બેદરકારી માની શકાય નહીં-કન્ઝ્યુમર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો

ફરિયાદની હકીકત મુજબ મૂળભૂત રીતે ફરિયાદીને મોઢામાં દુખાવો થતો હોય તેથી ફેશિયલ સર્જરી હોસ્પિટલના ડોક્ટર કૌશિક પેથાણીને સંપર્ક કરેલ હતો. આ કામના સામાવાળા એટલે કે ડોક્ટર કૌશિક પેથાણી દ્વારા તબીબી વ્યવસાયની આદર્શ પદ્ધતિ પ્રમાણે દર્દીને થતી તકલીફ અનુરૂપ તપાસ કરવામાં આવેલ હતી અને નિદાન કરવામાં આવેલ હતું ડોક્ટર દ્વારા કરવામાં આવેલ તપાસ અને નિદાન અંગે દર્દીને તથા તેમના પરિવારજનોને માહિતી આપી યોગ્ય અને આદર્શ સારવાર વિશે સમજ આપવામાં આવી હતી. ડોક્ટર કરેલ નિદાન મુજબ જીભમાં અલ્સર થઈ ગયેલ હતું અને દાંતમાં સડો થઈ ગયેલ હતો આમ ડોક્ટર કરેલ નિદાન બાદ દર્દીની સંમતિથી જીભના અલ્સર માટે યોગ્ય સારવાર આપવામાં આવી હતી દાંતના સડા માટે દાંત દુર કરવા અંગે અને સર્જરી કરવા સલાહ આપેલ હતી.
ડોક્ટર તરફથી થયેલ તપાસ નિદાન તથા સારવાર અંગે સલાહ સંદર્ભે ફરિયાદીએ પોતાની ફરિયાદમા કોઈ વિગત વર્ણવેલ ન હતી પરંતુ એવો આક્ષેપ કરેલો હતો કે દાંતના સડા અન્વયે ક્રમ 8 ના બદલે ડોક્ટર ભૂલથી 7 મો દાંત કાઢી નાખેલ અને પછી ભૂલ સુધારવા માટે 8 મો દાંત કાઢી નાખેલ હતો આમ એકને બદલે બે દાંત કાઢી નાખેલ. ફરીયાદીએ કરેલ ફરિયાદ માત્ર આક્ષેપાત્મક ફરિયાદ હતી તેવું સાબિત કરવા માટે ફરિયાદીએ ફરિયાદના સમર્થનમાં રજૂ રાખેલ પુરાવાના સોગંદનામાં સામે ડોક્ટરે તરફે રોકાયેલા એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા ફરિયાદીની ઉલટ તપાસમા જુદા જુદા 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે પ્રશ્નોના જવાબમાં ફરિયાદીએ સોગદ ઉપર સ્વીકારવું પડેલ કે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં ડોક્ટર દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસ નિદાન અને સારવારની ખામી અંગે કોઈ આધાર પુરાવો રજૂ રાખી શકેલ નથી.
ડોક્ટરના બચાવમાં નામદાર સુપ્રીમકોર્ટ જેકોબ મેથ્યુબ અને માટેન ડિસુઝા ના ચુકાદામા આપેલ સિદ્ધાંત મુજબ જો ડોક્ટર દ્વારા સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ અનુસરવામાં આવી હોય તેવા કિસ્સામાં તબીબી બેદરકારી માની શકાય નહીં તેમજ તબીબી ભેદરકારી અંગે નિષ્ણાંત પુરાવા અભાવે ડોક્ટર સામે કાર્યવાહી કરી શકાય નહીં તે બાબત સાબિત થતી હોવાથી રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) ના જજ શ્રી પી.સી રાવલ અને એમ એસ ભટ્ટ ની બેન્ચ દ્વારા ડોક્ટરની તરફેણમાં ચુકાદો આપતા એવું ઠરાવવામાં આવેલ કે ફરિયાદી ડોક્ટર સામેની તબીબી બેદરકારી અંગે ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમજ બેદરકારી અંગેનો કોઈ પુરાવો કે હકીકત સાબિત કરી શક્યા નથી તેથી ફરિયાદીની ફરિયાદ રદ કરવામાં આવે છે. આ કામમાં ફેશિયલ સર્જરી હોસ્પિટલના ડોક્ટર કૌશિક પેથાણી વતી કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની, રાજેશ દલ, જે વી યાશિક, જતીન ભટ્ટ, અજય ચાપાનેરી, મહેશ જોષી, રીતુ પરમાર, નિખિલ ભટ્ટી, મિલન સોલંકી, નિલેશ દવે રોકાયેલા હતા.